ગેરકાયદેસર રીતે ગંદુ પાણી છોડી સાબરમતી નદીને પ્રદૂષિત કરતા નારોલ ટેક્સટાઇલ્સ ઔદ્યોગિક એકમો સામે ક્યારે લેવાશે કડક પગલા?
સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા ઠાલવવામાં આવી રહેલા પ્રદૂષિત પાણી હાલ એક ચર્ચાનો વિષય બની રહી છે. સાબરમતી નદીના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે નારોલ-પીપળજ વિસ્તારમાં કેટલાંક ટેક્સટાઇલ્સ ઔદ્યોગિક એકમો પ્રદૂષિત પાણીને પીપળજ ગામનું નાળું જે સાબરમતિ નદીને મળે છે, તેમાં છોડી સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનો અક્ષમ્ય અપરાધ કરી રહ્યાં છે.
જે પ્રમાણે દ્રશ્યોમાં જોઇ શકાય છે તે એ વાતની ચાડી ખાઇ રહ્યા છે કે કેટલાંક ઔદ્યોગિક એકમો સાબરમતી નદીમાં બેફામ રીતે પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે. પરંતુ અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ રીતે સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવી રહેલા એકમો સામે પગલા લેવા માટે તંત્રને કોણ રોકી રહ્યું છે.? અથવા તો આ માટે કોણ જવાબદાર છે ? અને ઉદ્યોગો કે ઔદ્યોગિક એકમોને આ રીતે ગંદુ પાણી સાબરમતી નદીમાં ઠાલવવા માટે કોણે પરવાનગી આપી?