દેશમાં ૧૪ વર્ષમાં પીવાનાપાણી, ખેતીના પાણી તેમજ પેટ્રોલ અસંખ્ય મોંઘું થયું
રાજ્યમાં હાલમાં જળસંગ્રહ ૮૩.૪૬% છે. નર્મદા ડેમમાં ૭૭% પાણી છે. ઉ.ગુ.નાં જળાશયોમાં ૩૬.૪૫%, મ.ગુ.માં ૮૯.૬૩%, દ.ગુ.માં ૯૯.૮૭%, કચ્છમાં ૩૫.૨૭%, સૌરાષ્ટ્રમાં ૮૮.૯૦% જળસંગ્રહ છે. ૮૨ ડેમ સંપૂર્ણ ભરેલા છે. ૩૫ ડેમમાં ૯૦થી ૯૯% વચ્ચે, ૭માં ૮૦થી ૯૦% વચ્ચે, ૧૧માં ૭૦થી ૮૦% વચ્ચે પાણી છે. ૬૧ જળાશયમાં ૭૦%થી ઓછું પાણી છે. ૧૮ જળાશયમાં ૨૫%થી ઓછું પાણી છે. ૫ જિલ્લા છોટાઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, વલસાડમાં ૧૦૦% પાણી છે, જ્યારે સૌથી ઓછું પાણી બનાસકાંઠામાં ૯.૭૪% છે આ વર્ષે સપ્ટેમ્બરમાં સારો વરસાદ થતાં રાજ્યમાં પાણીની સ્થિતિ સારી થઇ છે.
રાજ્યનાં જળાશયોમાં હાલમાં ૮૩% જળસંગ્રહ છે. આગામી ઉનાળામાં સિંચાઈ માટે પાણીના પ્રશ્નો ઉદભવશે. સરકાર દ્વારા ૨૦૦૭ના ઠરાવથી પાણીના દરો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં પીવાના પાણી માટે, ઉદ્યોગોને માટે, ખેતી માટે અલગ-અલગ દર જાહેર કરાયા હતા. ૨૦૦૭માં ઠરાવનો અમલ કરાયો ત્યારે પીવાના પાણી માટે દર હજાર લિટરનો દર એક રૂપિયો હતો, જે આજે ૪.૧૮ રૂપિયા છે. ઉદ્યોગો માટે ત્યારે પ્રતિ હજાર લિટરે દર રૂ. ૮ હતો, જે આજે રૂ. ૩૪.૫૨ છે. પીવાના પાણીના દરમાં ૧૪ વર્ષમાં ૩૧૮%નો, જ્યારે ઉદ્યોગોને અપાતા પાણીના દરોમાં ૩૩૧% વધારો થયો છે.
જોકે રાજ્યમાં પેટ્રોલના ભાવમાં ૧૪ વર્ષમાં ૧૧૭%નો વધારો થયો છે. ૨૦૦૭માં પેટ્રોલનો ભાવ સરેરાશ રૂપિયા ૪૭-૪૮ જ હતો, જ્યારે આજે રૂ. ૧૦૩-૧૦૪ છે. ખેતી માટે પાણીના દરોમાં ૧૪ વર્ષમાં ૯૭%નો વધારો થયો છે. ૨૦૦૭ના ઠરાવ પ્રમાણે એ વખતે નક્કી કરેલા પીવાના અને ઉદ્યોગોના પાણીના દરોમાં દર વર્ષે ૧૦% વધારો થશે. ખેતી માટે અપાતા દરોમાં દર વર્ષે ૭.૫% વધારાની જોગવાઇ હતી. જોકે ૨૦૧૫-૧૬, ૧૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮માં પાણીનો દર વધારાયો નહોતો. વર્ષ ૨૦૧૮-૧૯થી દર વર્ષે ૨.૫% વધારો કરવામાં આવે છે. પીવાના પાણી અને ઉદ્યોગો માટે પાણીના દર પ્રતિ હજાર લિટરે નક્કી કરાયેલા છે, જ્યારે ખેતી માટે પ્રતિ પાણ, પ્રતિ હેક્ટર દર હોય છે.