ખેડૂતો પાકોનું વાવેતર પૂરતી વીજળી અભાવે કરી શકતા નથી : પરેશ ધાનાણી
સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લામાં અધિકથી અત્યાધિક વરસાદના કારણે મોટાભાગના જિલ્લાઓમાં નુકસાન થવા પામેલ છે. આ જિલ્લાઓમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. રસ્તાઓનું ધોવાણ થયું હતું. કેટલાક રસ્તાઓ બંધ થઇ ગયા હતા. નદીઓ છલકાઈ ગઈ હતી તેથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂતોના ખેતર અને બિયારણ નિષ્ફળ ગયા હતા. આ લીલા દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામી હોવાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસી જવાથી લોકોની ઘર વખરી અને માલસામાનને નુકસાન થયું હતું. આ બાબતે તાકાલીક સરવે કરાવીને ખરેખર થયેલા નુકસાનનું ૧૦૦% વળતર મળે તથા માનવ મૃત્યુ અને પશુ મૃત્યુની સહાય પણ તાત્કાલિક સરવે કરીને ચૂકવવામાં આવે તેવી ભલામણ.
પરેશ ધાનાણી દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, ચાર જિલ્લામાં રેકોર્ડ આધારિત ૧૦૦% કરતા વધુ વરસાદ નોંધાયો છે તે રીતે અન્ય જિલ્લાઓના ઘણા તાલુકાઓમાં પણ ૧૦૦% કરતા વધારે વરસાદ નોંધાયેલો છે. તેવા જિલ્લા અને તાલુકાઓને રાહત પેકેજથી વંચિત રાખવામાં આવ્યા છે. આવો ભેદભાવ કેમ રાખી રહી છે સરકાર? સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં રાહત પેકેજથી જાહેર નથી થયું તેનો સરવે કરવામાં આવે તો ત્યાં પણ મગફળી, કપાસ, તલ, શાકભાજી જેવી ખેતીને નુકસાન થવા પામ્યું છે અને જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ધાનાણીએ એમ પણ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વીજળીની તંગી છે.
અવાર નવાર વીજકાપ કરવામાં આવે તો ખેડૂતો અન્ય પાકોનું વાવેતર પૂરતી વીજળી અભાવે કરી શકતા નથી અને વાવેતર કરેલ હોય તો વીજળીના અભાવે સિંચાઈ કરી શકતા નથી.ચોમાસામાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને જે નુકસાન થયું હતું, તેને લઇને રાજ્ય સરકરે સરવે કરીને ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. પણ કેટલાક જિલ્લાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, વરસાદના કારણે તેમને ખેતરમાં રહેલા ઉભા પાકને નુકસા થયું છે તેથી તેમને પણ સહાય આપવામાં આવે. ત્યારે ખેડૂતોની આ વાતને લઇને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સરકારી કૃષિ પેકેજમાં ખેડૂતોની સાથે ભેદભાવ થયો હોવાની રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ચાર જિલ્લાના સહાય આપીને અન્ય જિલ્લાઓની સાથે અન્યાય થયો હોવાનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. એટલે ફરીથી સરકારે તાત્કાલિક અન્ય જિલ્લા અને તાલુકાઓમાં સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવવા માટે રજૂઆત કરી છે.