સાબરમતી નદીની આરતીનું ભવ્ય આયોજન,ગંગા સમગ્ર સંઘ દ્વારા નદીને સ્વચ્છ બનાવાશે
અમદાવાદ જેનાથી ઓળખાય છે તે સાબરમતી નદીની આરતીનું ભવ્ય આયોજન ગંગા સમગ્ર કર્ણવતી ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરના દધિચી બ્રિજ નીચે સાબરમચી રિવર ફ્રન્ટ ખાતે સાબરમતીની આરતી ઉતારવામાં આવી હતી. આરતી સમયે સંસ્થાના કાર્યકરોની સાથે-સાથે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને માઁ સાબરમતીની આરતીનો લ્હાવો લીધો હતો.
આ પ્રસંગે ગંગા સમગ્રના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામાશીષજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં પ્રજ્ઞા પ્રવાહના ડો. કૌસ્તુભ નારાયણ મિશ્રા, પ્રવાસી પરિષદના અધ્યક્ષ માનનીય અશોકસિંહ કોઠારી તેમજ પાશ્વનાથ ટ્રાવેલ્સના ડાયરેક્ટર માનનીય ગજેન્દ્રભાઇ દુગર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગંગા સમગ્ર સંસ્થા દેશભરના પ્રાકૃતિક સ્રોતો અને વિશેષ કરીને નદીઓની સુરક્ષા, સ્વચ્છતા માટે હંમેશાથી પ્રયત્નશીલ રહી છે. આ સાથે નદીઓમાં પ્રદૂષણ ન ફેલાવવા તથા તેની મહત્વતા પ્રત્યે સંવેદના પેદા કરવા માટે પણ વિવિધ કાર્યક્રમો સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારે સાબરમતી નદીના તટ, જળ નિકાસ તથા તેની આસપાસના ક્ષેત્રોમાં વૃક્ષારોપણ જેવી કામગીરી ગંગા સમગ્ર સંઘની પ્રાથમિકતા છે. અને આગામી સમયમાં આ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ઝડપી પગલા ભરવામાં આવશે.
સાબરમતી નદીમાં પ્રદૂષણ એક ગંભીર ચિંતાનો વિષય છે. નદીના અવિરત પ્રવાહની સાથે-સાથે તેને પ્રદૂષણ મુક્ત રાખવી આપણી સામૂહિક જવાબદારી છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોને સાબરમતી નદીની સ્વચ્છતા પ્રત્યે જાગૃક કરવામાં ચોક્કસપણે મદદ મળી રહેવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંય દિવસથી સાબરમતી નદીમાં પ્રદૂષણને લઇને ચર્ચા જોવા મળી રહી છે. આ મામલે હાઇકોર્ટની ટકોર બાદ પણ કોઇ નક્કર કામગીરી જોવા મળી નથી. જેથી ગંગા સમગ્રએ સાબરમતીની સફાઇનું બીડુ ઝડપતા એએમસી અને જીપીસીબીના નદીમાં પ્રદૂષણને લઇને ઉદાસીનતા છે કે કેમ તે પ્રશ્ન અહીં ઉપસ્થિત થઇ રહ્યો છે.