પાકિસ્તાનમાં ભૂકંપના તેજ આંચકા : ૨૦ના મોત, ૨૦૦થી વધુ લોકો ઘાયલ
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીના કહેવા પ્રમાણે છતો અને દીવાલો પડવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે સરકારના મંત્રી મીર જિયા ઉલ્લાહે જણાવ્યું કે, તેમને ૨૦ લોકો માર્યા ગયા હોવાની સૂચના મળી છે અને બચાવ અભિયાન ચાલુ છે. તે વિસ્તારના ડેપ્યુટી કમિશનરે ભૂકંપના કારણે ઓછામાં ઓછા ૨૦૦ લોકો ઘાયલ થયા હોવાની માહિતી આપી હતી અને મૃતકઆંક વધવાની આશંકા વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયામાં ભૂકંપ બાદની અનેક તસવીરો વહેતી થઈ છે જેમાં ભૂકંપના આંચકા બાદ રસ્તા પર દોડી આવેલા લોકો જોઈ શકાય છે. પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા બાદ રાહત અને બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી છે અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં ગુરૂવારે વહેલી સવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા જેમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. તે સિવાય મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનો પણ અહેવાલ છે. પાકિસ્તાનના હરનેઈ વિસ્તારમાં ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જેના કારણે ભારે નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬ની આસપાસની હોવાનું માનવામાં આવે છે જેના કારણે ઠીકઠાક નુકસાન થવાની આશંકા રહે છે.
વહેલી સવારે આશરે ૩ઃ૦૦ કલાકે આ પ્રકારનો ભૂકંપ અનુભવાયો હતો જેને લઈ ભારે હડકંપ મચ્યો હતો. આરામથી ઘરમાં નિંદ્રા માણી રહેલા લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા અને બચવા માટે પ્રયત્ન કર્યો હતો. તે સિવાય ભૂકંપના કારણે અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ભૂકંપના કારણે અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓના કહેવા પ્રમાણે મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે.