પ્રોજેક્ટ વિદ્યા હેઠળ વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 332 બાળકોને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
કોરોના કાળના કારણે બંધ થયેલી શાળા-કોલેજો ફરીથી તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ધોરણ 6થી 8ની વર્ગોને ફરીથી શૈક્ષણિક અભ્યાસ માટે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે શહેરની જાણીતી સંસ્થા વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ચાણક્ય પુરી પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ 332 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા હતુ.
સતત 10 વર્ષથી વિ હેલ્પ ફાઉન્ડેશન પ્રોજેક્ટ વિદ્યા હેઠળ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરે છે, જે અંતર્ગત આ વર્ષે આ મુહિમને ચાલુ રાખતા શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ચાણક્યપુરી પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8માં અભ્યાસ કરી રહેલા 332 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે.
આ વર્ષે વિતરીત કરવામાં આવેલા ચોપડાની થીમ પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને સમર્પિત રાખવામાં આવી છે. જે થકી ડોક્ટર્સ, નર્સ, પોલીસકર્મીઓ સહિતના કોરોના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ચાણક્યપુરી પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, આચાર્ય, વિહેલ્પ ફાઉન્ડેશનના ફાઉન્ડર સચિન શાહ, નિરવ શાહ, મૌલિક ભાવસાર, કામીની મ્હાત્રે સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.