ફાયર સેફટી ના હોવાથી ભાવનગરની ૩ હોસ્પિટલને નોટીસ
ભાવનગર મહાનગરપાલિકાએ ફાયર સેફટીના મામલે ફરી લાલ આંખ કરતા ફાયર સેફટીના સાધનો ન મુકાવ્યા હોય તેવા બિલ્ડીંગ ધારકો સહિતમાં ફફડાટ ફેલાયો છે. ફાયર સેફટીના સાધનો ન હોય અથવા એનઓસી રીન્યુ ન કરાવ્યુ હોય તેવા બિલ્ડીંગને મહાપાલિકા દ્વારા સીલ મારવામાં આવશે તેમ ચર્ચાય રહ્યુ છે. બિલ્ડીંગ ધારકો દ્વારા ફાયર સેફટીના સાધનો મુકવાની ખાતરી તેમજ વર્કઓર્ડર, બોન્ડ આપ્યા બાદ સીલ ખોલવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.
ભાવનગર શહેરમાં સોમવારે મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફટીના પ્રશ્ને શહેરના આકાશદીપ કોમ્પ્લેક્ષમાં આવેલ મંગલમ બાળકોની હોસ્પિટલ, ડો. અજય. એમ. પટેલની જૈનીલ ઓર્થો હોસ્પિટલ (ઓર્થોપેડિક સર્જન), ડો. નીરજ. આર. જાનીની પ્રભાવતી આઈ હોસ્પિટલને નોટીસ ફટકારી છે. આ હોસ્પિટલને અગાઉ પણ નોટીસ આપવામાં આવી હતી પરંતુ તેમ છતા ફાયર સેફટીના સાધનો નખાવવામાં આવ્યા નથી તેથી મહાપાલિકાએ પ દિવસ માટે નોટીસ આપી છે.
આ નોટીસ દ્વારા દર્દીઓને પણ જાણ કરવામાં આવી છે. પાંચ દિવસ બાદ હોસ્પિટલને સીલ મારવામાં આવશે તેમ મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું.