દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ૪.૫ ઇંચ સુધી વરસાદ
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં લાંબા બ્રેક બાદ મંગળવારે રાતથી મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૃ કરતા ખાસ કરીને સૂકાઇ રહેલા ખેતીપાકને લઇને ચિંતિત ખેડૂતોને મોટી રાહત મળી છે. છેલ્લા ચોવીસ કલાકમાં સાવર્ત્રિક વરસાદમાં તાપી જિલ્લાના કુકરમુંડામાં ૪.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા છપ્પડ ફાડકે વરસ્યા હતા. આજે મોડીસાંજે બે કલાકમાં આખા મહિનાના વરસાદની કસર પુરી કરી દીધી હતી.
હવામાન વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં દરરોજ વરસાદ આવશે તેવી આગાહી થતી હતી. વાદળો બંધાતા હતા પરંતુ વરસાદ વરસતો નહોતો. દરમિયાન ગત મધરાતથી સુરતમાં વરસાદ શરૃ થયો હતો. સુરત સિટીમાં સવારે ૬થી સાંજે ૬ સુધીમાં મુશળધાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે સાંજે ૬થી ૮ દરમિયાન બે કલાકમાં બારડોલી, કામરેજ, મહુવા, પલસાણા સહિત અન્ય તાલુકાઓમાં ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસી જતા થોડાવાર માટે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુરતમાં આજે કુલ ૪૮૫ મી.મી એટલે કે સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા એક મહિનાના વરસાદની કસર બે કલાકમાં જ કરી દેતા સર્વત્ર પાણીની રેલમછેલ થવાની સાથે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.વલસાડ જિલ્લામાં સરેરાશ ૧.૩ ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં ૨.૩ ઇંચ નોંધાયો છે. જ્યારે નવસારીમાં વાંસદા સિવાય અન્ય તાલુકાઓમાં માત્ર ઝરમર વરસાદ વરસ્યો હતો.