ગુજરાતમાં ૫૦ કરોડ વૃક્ષો વાવવાનું સરકારનું રહેશે લક્ષ્યઃ વિજય રૂપાણી
જિલ્લાના ઉમરગામના ધોડીપાડા ખાતે શનિવારે ૭૨ માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે જેમ ગુજરાતના વિવિધ વિસ્તારમાં રાજ્યકક્ષાની ઉજવણી થાય છે તે જ વિસ્તારમાં અવાવરૂ પણ નિર્માણ કરવામાં આવે છે. જે પૈકી ઉમરગામમાં નવા બનેલા મારુતિનંદન વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આ ૨૧ મા વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
કોરોના મહામારીના સમયમાં ઓક્સિજનની પડેલી અછતને લઇને પર્યાવરણમાંથી મળતા પ્રાણવાયુનું મહત્વ લોકોને સમજાયું છે. જેથી વૃક્ષારોપણ વધશે તો મનુષ્ય જાતિનું પણ રક્ષણ થશે. પર્યાવરણના જતન માટે ગુજરાતની સમજસેવી સંસ્થાઓને આગળ આવવા માટે તેમને આવા્હન કર્યું હતું. વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું કે, નારગોલ ખાતે પોર્ટ બનશે. દક્ષિણ ગુજરાતના વિકાસ માટે નારગોલ બંદરનું નિર્માણ થશે. જેના માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. જોકે સ્થાનિક કક્ષાએ કેટલાક લોકો દ્વારા વિરોધના સુર હોય તે બાબતે તેમણે કહ્યું કે, લોકોને સાંભળવામાં ચોક્કસ આવશે પણ સરકાર કોઈના દબાણમાં નહિ આવે બંદર બનાવી વિકાસની એક નવી ક્ષિતજ સર કરીને રહેશે.