ગુજરાતમાં વરસાદની ૪૪ ટકા જેટલી ભારે અછત, મણિપુર બાદ બીજા નંબરઃ હવામાન વિભાગ

ગુજરાતમાં વરસાદની ૪૪ ટકા જેટલી ભારે અછત હેઠળ છે, જે મણિપુર બાદ બીજા નંબરે આવે છે, જ્યાં ૯ ઓગસ્ટના રોજ વરસાદની ૫૭ ટકા અછત નોંધાઈ હતી. ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં અત્યારસુધીમાં મોસમી વરસાદના ૫ ટકા અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં સામાન્ય સરેરાશ ૧૭.૭૪ ઈંચ વરસાદની સામે ૧ જૂનથી ૯ ઓગસ્ટ સુધીમાં ૯.૯૪ ઈંચ વરસાદ પડ્યો હતો. મધ્ય ભારતની વાત કરીએ તો, માત્ર ઓડિશા એવું અન્ય રાજ્ય છે જ્યાં વરસાદની ૨૮ ટકા અછત છે, તેનાથી વિપરીત મહારાષ્ટ્રમાં સરેરાશ કરતાં ૧૦ ટકા અને ગોવામાં ૭ ટકા વધારે વરસાદ પડ્યો છે.

આંકડાઓને સંદર્ભમાં રાખીએ તો, જીએસડીએમએ મુજબ ગયા વર્ષે ૯ ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ૧૭.૬૮ ઈંચ વરસાદ પડ્યો હતો અને આ વર્ષે આ આંકડો ૧૧.૯૯ ઈંચ છે.

આઈએમડી, ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું, રાજ્યમાં વરસાદની ૪૪ ટકા અછત નોંધાઈ છે. ‘ગુજરાતમાં બે મહિનામાં માત્ર ત્રણ વખત જ સારો વરસાદ પડ્યો છે. જૂનમાં રાજ્યમાં એક વખત સારો વરસાદ પડ્યો અને જુલાઈમાં સામાન્ય રીતે ૪ના બદલે આ વખતે માત્ર બે વાર સારો વરસાદ પડ્યો. ઓગસ્ટ મહિનો પણ અત્યારસુધીમાં ડ્રાય રહ્યો છે અને એવી કોઈ સિસ્ટમ સર્જાઈ રહી નથી કે જેનાથી આ અઠવાડિયે સારા વરસાદની શક્યતા છે’.

તેમણે કહ્યું હતું કે, ૧૫મી ઓગસ્ટ બાદ સારા વરસાદની આશા રાખી શકાય છે, જેના માટેની આગાહી તે પછીની તારીખે જ કરી શકાય છે.

આ દરમિયાન, વરસાદની અછતના કારણે ખેડૂતો ભયભીત છે. બનાસકાંઠાના છાપી ગામના ભરત ચૌધરી નામના ખેડૂતે જણાવ્યું, તેમણે પોતાની જમીનમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે પરંતુ પાકમાં નુકસાનની આશંકા છે કારણ કે એક જ વખત સારો વરસાદ પડ્યો છે.

ચૌધરીએ કહ્યું, ‘અમને વરસાદની સખત જરૂર છે, નહીં તો પાકને નુકસાન થશે. સ્થાનિક કૂવામાં પણ વધારે પાણી ન હોવાથી સ્થિતિ ભયાનક બની શકે છે’.

સૌરાષ્ટ્રમાં પણ, વરસાદના અભાવના કારણે પાકને નુકસાન થશે તેવો ખેડૂતોના મનમાં ભય છે. જૂનાગઢના મોટી ધાણેજ ગામના ખેડૂત વકમત પીઠિયાએ જણાવ્યું હતું કે, જાે આવતા અઠવાડિયા સુધીમાં વરસાદ નહીં પડે તો, પશુઓને ખવડાવવા માટે પણ પૂરતી મગફળી નહીં મળે.

‘જમીન સૂકાઈ ગઈ છે અને મગફળીનો પાક પણ સૂકાઈ રહ્યો છે. મેઘરાજા પણ સામે જોતા નથી’, તેમ તેમણે ઉમેર્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news