રાજસ્થાનના બુંદી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં ૭નાં મોત
રાજસ્થાનના હાડૌતી વિસ્તારમાં વરસાદ આફત બની વરસી રહ્યો છે. બુંદી જિલ્લાના કેશવરાયપાટનમાં મોડી રાત્રે મકાન ધરાશાયી થયું હતું. એક જ પરિવારના ૭ લોકોનાં દબાઈ જવાથી મોત થયાં હતાં. કાટમાળમાં મૃતદેહોને બહાર કાઢીને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. મૃતકોમાં ચાર બાળકનો સમાવેશ છે. જાણવા મળી રહ્યું છે કે નવઘાટ નજીક ટેકરામાંથી જમીનનું ધોવાણ અટકાવવા માટે પાલિકાએ ત્રણ વર્ષ પહેલાં ચંબલની બાજુમાં સુરક્ષા દીવાલનું નિર્માણ કર્યું હતું. સતત વરસાદને કારણે સુરક્ષાની દીવાલ ધરાશાયી થઈ હતી અને ઘર પર પડી હતી. આ ઘટના બપોરે ૨.૩૦ વાગ્યે બની હતી. બોટઘાટ નજીક બે ભાઈઓ મહાવીર અને મહેન્દ્ર કેવટનો પરિવાર રહે છે. અચાનક ઘર ધરાશાયી થતાં પરિવાર કાટમાળમાં દટાઈ ગયો હતો. આ અકસ્માતમાં મહાવીરની પત્ની મીરા(૪૦) મહાવીરની પુત્રી તમન્ના(૯), સુખલાલના પુત્ર મહેન્દ્ર(૩૫), મહેન્દ્રની પત્ની અનિતા(૩૨), મહેન્દ્રની પુત્રી દીપિકા(૭), મહેન્દ્રનો પુત્ર કાન્હા(૫), મહેન્દ્રની પુત્રી ખુશી(૧૦)નાં મોત થયાં છે.
અકસ્માત દરમિયાન ઘરમાં આઠ લોકો હતા. અકસ્માતનો અવાજ સાંભળીને મહાવીર તરત જ ઘરની બહાર આવી ગયો હતો. તેણે પુત્રી તમન્ના અને પત્ની મીરાને બહાર કાઢી. ત્યાં સુધીમાં દીકરીનું મોત થઈ ગયું હતું. તેણે તેની પત્નીને કોટા એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં મીરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહાવીરનો પુત્ર સુરેશ નાનાના ઘરે ગયો હતો, તેથી તે બચી ગયો.
નાયબ પોલીસ અધીક્ષક નીતિરાજ સિંહે જણાવ્યું, બચાવ કામગીરી ચાલુ છે. મોડી રાત્રે ઘર ધરાશાયી થતાં અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના ૭ લોકો દબાઈ ગયા હતા. આ અકસ્માતમાં તમામનાં મોત થયાં હતાં.