દેશના રાજ્યોમાં વીજળી પડવાની સંભાવના, ઉત્તર ભારતમાં ૨૧ જુલાઈ સુધી ભારે વરસાદ
દેશભરમાં ચોમાસાના આગમન બાદ આગામી એક સપ્તાહ સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે સંપૂર્ણ ઉત્તર ભારતમાં આગામી ૧૮થી ૨૧ જુલાઈ સુધી ભારે વરસાદ વરસશે. જ્યારે પશ્ચિમી ક્ષેત્રોમાં ૨૩ જુલાઈ સુધી આ સ્થિતિ રહેશે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ફરી સક્રિય થયા બાદ ઉત્તરી ક્ષેત્ર સહિત દેશના અનેક હિસ્સાઓમાં આગામી ૬-૭ દિવસોમાં ભારે વરસાદ વરસશે. ચોમાસાનો સૌથી વધારે પ્રભાવ દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના ક્ષેત્રોમાં પડશે. ત્યાંના લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળશે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર (જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ)માં બાદમાં પણ વરસાદ ચાલુ રહેશે. જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી અને ઉત્તરી મધ્ય પ્રદેશમાં પણ ૧૮થી ૨૧ જુલાઈ સુધી જોરદાર વરસાદ વરસશે.
ત્યાર બાદ આ ક્ષેત્રોમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવું અનુમાન છે. પશ્ચિમી અને દક્ષિણી ભારતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આગામી ૫-૬ દિવસ દરમિયાન પશ્ચિમી તટ અને આસપાસના ક્ષેત્રોમાં ઘનઘોર વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે.
હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનના અલગ અલગ સ્થાનો પર વીજળી પડવાની અને ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. સાથે જ આ સ્થિતિમાં બહાર રહેતા લોકો અને પશુઓને નુકસાન પહોંચી શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.