છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદ પડ્યો
રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ખાનગી હવામાન એજન્સી મુજબ, રાજ્યમાં ૧૫ જુલાઈ સુધી ૨૦ મિમી સુધી જ વરસાદની સંભાવના છે. વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ ૪.૮૦ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, જ્યારે ૧૯૯૧થી ૨૦૨૦ સુધીમાં ચોમાસાની સીઝન દરમિયાન રાજ્યમાં સરેરાશ ૩૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ત્રણ જિલ્લાના ત્રણ તાલુકામાં જ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નર્મદાના ડેડિયાપાડામાં ૭ મી.મી. ડાંગના વઘઈમાં ૩ મી.મી અને વલસાડમાં ૨ મી.મી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ ૨.૨ ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો ૩.૬૬ ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો ૪.૮૦ ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો ૩.૩ ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ ૯.૩૭ ઈંચ વરસાદ થયો છે.