બિહારમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂરઃ ૧૧ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ
બિહારના અનેક જિલ્લાઓમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદીઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. રાજ્યના સીતામઢી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, ખગડિયા, ચંપારણ સહિતના ૧૧ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. આ તરફ દરભંગામાં પૂરના પાણીના કારણે અતિહાર ગામ ખાતે આવેલું સબ હેલ્થ સેન્ટર તણાઈ ગયું હતું.
બિહારમાં કોસી અને ગંડક નદીનું જળસ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. નદીઓ ગાંડીતૂર બની હોવાથી ડરી ગયેલા લોકો પૂરની આશંકાએ ઉંચાણવાળા સ્થળોએ જઈ રહ્યા છે. બિહારના મોતિહારી ખાતે પણ પૂરનો પ્રકોપ ચાલુ છે.
ગંડક, બાગમતી, કમલા અને મહાનંદા નદીનું જળસ્તર પણ ખૂબ જ તેજીથી ઉંચુ આવી રહ્યું છે. કમલા અને બાગમતી નદી જાેખમના નિશાનની ઉપર વહી રહી છે. જ્યારે ગંડક નદીમાં જળસ્તર વધવાથી પશ્ચિમી ચંપારણ, ગોપાલગંજ અને સારણની સ્થિતિ પણ બગડી રહી છે. ખિરોઈ, બાગમતી, કમલા, લાલબકેયા અને અધવારા સમૂહની નદીઓ પણ જાેખમના નિશાનની ઉપર વહી રહી છે.
દુધૌરા બાદ તિલાવે અને બંગરી નદી પર બનેલા બાંધ તૂટવાના કારણે તબાહી વધી છે. પાણી ખૂબ જ ઝડપથી નવા નવા ક્ષેત્રોમાં પ્રવેશી રહ્યું છે જેથી તબાહી વધી રહી છે. સ્થિતિની ભયાનકતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને એસડીઆરએફની ટીમ તૈનાત કરી છે જે રેસ્ક્યુનું કામ કરી રહી છે.