અમદાવાદમાં કોરોના કાળમાં સતત સ્ટ્રેસમાં રહેતા 108ના કર્મચારીઓ માટે અનોખો મેડિટેશન કાર્યક્રમ યોજાયો
સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે 108ના કર્મચારીઓ સતત કાર્યરત જોવા મળી રહ્યાં છે. કોરોના કાળના આ કપરા સમયમાં સતત કાર્ય રહેતુ હોવાથી 108ના કર્મચારીઓ સ્ટ્રેસ અનુભવતા હોય છે, ત્યારે તેઓના સ્ટ્રેસ લેવલને ઓછું કરવા માટે 108 કઠવાડા ખાતે અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદના કઠવાડા સ્થિતિ 108ના મુખ્ય કાર્યાલય ખાતે 108 કર્મચારીઓના સ્ટ્રેસને દૂર કરવાના હેતુથી શહેરના જાણીતા આધ્યાત્મિક અને મોટિવેશનલ ટ્રેનર પુનિતજી લુલ્લા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ દરમિયાન પુનિતજી લુલ્લાએ 108ના કર્મચારીઓને તણાવને દૂર કરવા માટે સકારાત્મક વિચારો સાથે કામ કરવા માટે સૂચન કર્યા હતા. તો તેઓએ હળવા સંગીત અને અને અન્ય પ્રવૃત્તિઓ થકી પણ માનસિક તણાવને દૂર કરવા માટેની કવાયત પણ કરાવી હતી.
હાલમાં જ્યારે 108 કર્મચારીઓ સતત કાર્ય કરી રહ્યાં હોય તેઓમાં તણાવનું પ્રમાણ વધી રહેલુ જોવા મળતુ હોય છે, ત્યારે તેઓના તણાવને દૂર કરવા માટે યોજાયેલો આ કાર્યક્રમ ઘણા અંશે ફાયદાકારક સાબિત થશે.