બનાસકાંઠાના કાંકરેજમાં કૂવામાં ગેસ ગળતરઃ બેના ગૂંગળામણથી મોત
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા મોટા જામપુર ગામે મોડી સાંજે ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જેમાં ખેતરમાં આવેલા બાયોગેસના કૂવામાં ઉતરેલા બે શખ્સોના ગૂંગળામણના કારણે મોત થયા છે. જ્યારે અન્ય ૪ લોકોને ઝેરી ગેસની અસર થતાં તેમને સારવાર માટે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાંકરેજના મોટા જામપુર ગામે રહેતા રંગનાથ ચૌધરીના ખેતરમાં બાયોગેસનો પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટમાં ગેસ ગળતર થતાં તેની સફાઈ કરવા માટે રંગનાથ ચૌધરીના પુત્ર આનંદ ચૌધરી અને ભાગીદાર સુંધાજી ઠાકોર કૂવામાં ઉતર્યા હતા. જ્યાં ગૂગળામણના કારણે તેઓ મોતને ભેટ્યા હતા. કૂવામાં ઉતર્યાના કલાકો સુધી બહાર ના આવતા આજુબાજુના લોકો પણ કૂવામાં ઉતર્યા હતા. જો કે ગેસ ગળતરના કારણે અન્ય ૪ લોકોને અસર થતાં બેભાન બન્યા હતા.
આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને સિહોરી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બન્ને મૃતદેહોનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, જ્યારે ૪ અસરગ્રસ્તોને રાધનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. આ ઘટનાને પગલે ગામમાં ગમગીની છવાઈ છે.