રાજ્યમાં વર્ષ-૨૦૨૪માં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કુલ રૂ. ૧૨૩૮ કરોડથી વધુની રકમ વિવિધ વિભાગોને ફાળવાઈ : મંત્રી બલવંતસિંહ રાજપૂત
વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોત્તરીકાળ અંતર્ગત રાજ્યમાં વર્ષ-૨૦૨૪ દરમિયાન ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન માટે ચૂકવવામાં આવેલી સહાય અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગત વર્ષે રાજ્યમાં કુલ રૂ. ૧૨૩૮ કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવવામાં આવી છે.
આ અંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ૭૫:૨૫ના રેશિયોમાં આ સહાય ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારના ગૃહવિભાગની સૂચનાથી બનેલી આંતર મંત્રીમંડળ કેન્દ્રીય ટીમ દ્વારા તા. ૧૪/૯/૨૦૨૪ના રોજ રજૂ કરાયેલા અહેવાલના આધારે તા. ૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ મળવાપાત્ર કુલ રૂ. ૧૩૧૫ કરોડની સામે કુલ રૂ. ૧૨૩૮.૦૮ કરોડની ફાળવણી વિવિધ વિભાગોને કરી દેવામાં આવી છે તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું હતું.