અંકલેશ્વર જીઆઇડીસી: પહેલા પ્રદૂષણ મામલે અને હવે ડ્રગ્સ મામલે પણ બની રહ્યું છે ‘હબ’
અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ૨૫૦ કરોડથી વધુ કિંમતનાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો
અંકલેશ્વરઃ અંકલેશ્વર જીઆઈડીસી ત્યાંના કેટલાંક ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવી રહેલા બેફામ પ્રદૂષણને કારણે ચર્ચાના કેન્દ્રમાં પહેલેથી જ જોવા મળી રહી છે, ત્યાં હવે ડ્રગ્સના હબ તરીકે પણ ‘ઉભરતી’ જોવા મળી રહી છે. થોડા જ દિવસો પહેલા અહીં આવેલી આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી 13 હજાર કરોડથી વધુની કિંમતનું 518 કિલોગ્રામ કોકેઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારે હવે અન્ય એક કંપનીમાંથી 250 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ડ્રગ્સ ઝડપાવવાનો મામલો
ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર રોકાવવાનું નામ લેતો નથી. અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આવેલા અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. સુરત અને ભરૂચ પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ૨૫૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું માનવામાં આવે છે.
પોલીસે ૩ આરોપીની કરી ધરપકડ
અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયું. પોલીસે ૧૪.૧૦ લાખનું ૧૪૧ ગ્રામ એ.ડી.ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય ૪૨૭ કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે FSLમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય ૨ આરોપીઓની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં હોવાની જાણકારી હાલ મળી રહી છે.
અંકલેશ્વર બન્યું ડ્રગ્સનું હબ
આ અગાઉ પણ અંકલેશ્વરમાંથી અનેકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ પહેલાં ૧ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા અને ૫૬૨ કિલો કોકેઇન અને ૪૦ કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. આ પછી, ૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ ૨૦૮ કિલો કોકેઈન મળી આવ્યું હતું.
દિલ્હી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ ગુજરાતના અંકલેશ્વર વિસ્તારની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૮૯ કિલો કોકેન અને ૪૦ કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજા મળી આવ્યો છે, જેની કુલ કિંમત ૧૩૦૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.