અરવલ્લી જિલ્લામાં મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામા આવી
અરવલ્લી: આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે ૯મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસને ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવણી કરવામાં આવી છે. શામળાજીના મેળે શામળાજીના મેળે રણજણિયું રે પેજણિયું વાગે….ગીતના નૃત્ય સાથે ઉત્સાહથી આદીવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મંચસ્થ વહિવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ આદિવાસીઓની ઓળખ એવું માથે ફાળિયું બાંધીને આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું.
વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મંત્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપુતે સંબોધન કરતા જણાવ્યું કે , “વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માં ભાગીદારી થવા માટે આજે અરવલ્લી તમામ આદિવાસી ભાઈ બહેનોને આજના દિવસની શુભકામનાઓ પાઠવું છું. આજના સમયમાં આદિજાતિ વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ દ્વારા આદિજાતી વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તેવો રાજ્ય સરકારનો ધ્યેય રહેલો છે. આજે આદિવાસીઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યકર્મો હાથ ધરી સતત કાર્યરત છે. આદિજાતિ પરિવારોને અનેક કલ્યાણ લક્ષી યોજનાઓથી માળખાકીય સુવિધાઓ પૂરી પાડી તેઓના વિકાસ માટે સરકાર મક્કમ પણે આગળ વધી રહી છે.”
વધુમાં તેમણે જણાવ્યું કે, “ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ મેડિકલ કોલેજો જમીનના હક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક સ્થાન કરવા માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે. આજના દિવસે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાત સરકારમાં મોટા પદ ઉપર સેવા આપતા અધિકારીઓ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની દેન છે. આવનારા સમયમાં અરવલ્લી જિલ્લો સરકારની તમામ યોજનાઓ લાભો સાથે વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છાઓ આપું છું.”
માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમા સાબરકાંઠા ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી જ્યાંથી વર્ચ્યુઅલ સંબોધનને કરવામા આવ્યું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, સંયુક્ત કમિશનર આદિજાતિ, ધારાસભ્ય પી.સી. બરંડા, વનરક્ષક, ડીઆરડીએ ડાયરેક્ટર, અન્ય અધિકારીઓ અને પદાધિકારિઓ તેમજ બહોળી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે કીટ અને સિદ્ધિ હાંસલ કરનારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.