દાહોદમાં દારૂ ભરેલી કારનો અકસ્માત, આગ લાગતાં બે વ્યક્તિ ભડથું
દાહોદના ઝાલોદથી રૂંવાડાં ઉભી કરી દેતી એક ઘટના સામે આવી છે. દાહોદના ઝાલોદ બાયપાસ હાઈવે પર પીક અપ વાન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં કારમાં સવાર બે લોકો કારની અંદર જ ભડથું થઈ ગયા હતા. કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
ઝાલોદથી રાજસ્થાનના બાંસવાડા જતો હાઈ વે રોડ પર સુરત પાસિંગની આઈટેન કારમાં વિદેશી દારૂની બોટલો ભરેલી હતી. ફૂલ સ્પીડમાં જતી કાર એક પીકઅપ વાન સાથે ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ દારૂ ભરેલી કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભીષણ હતી કે, કારની આગળ બેસેલાં બંને વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસે મૃતકોની ઓળખાણ માટે તપાસ શરૂ કરી છે. અને બાદમાં ચૂંટણીના સમયમાં આ દારૂ કોના માટે લવાતો હતો અને કોને આપવાનો હતો તે તમામ પાસાઓ ઉપર પોલીસ તપાસ શરૂ કરી રહી છે.