એએમસીની ટીમને ગેરકાયદેસર એકમોના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગડદાપાટુનો માર મારતા એફઆરઆઈ નોંધાઈ


એકમ માટેના જરૂરી દસ્તાવેજો માંગતા અપશબ્દો બોલી સીલ મારવાની કાર્યવાહી નહીં કરવા દઈ માર માર્યો


ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું એફ્લ્યુએન્ટ મ્યુનિસિપલ ડ્રેનેજ પાઈપ લાઈનમાં છોડતું અટકાવવા ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે


40 ટીમો 24 કલાક અલગ-અલગ શિફ્ટમાં કામગીરી કરશે


ગુજરાત રાજ્યના અમદાવાદ સિવાયના એક પણ એસટીપીમાં ઔદ્યોગિક ગંદુ પાણી ઠલવાતું ન હોવાના કારણે એસટીપીના કોમ્પોનેટ્સ ખરાબ થતા નથી


અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી પી.આઈ.એલ. અંતર્ગત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા એફ્લ્યુએન્ટ મ્યુનિસિપલ ડ્રેનેજ પાઈપ લાઈનમાં છોડતા ગેરકાયદેસર એકમો સામે કડક કાર્યવાહી કરવા માટે 21 જુન, 2024ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત એએમસીની એક ટીમ દ્વારા શહેરના દક્ષિણ ઝોન બહેરામપુરામાં સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન બે ઈસમોએ એએમસીની ટીમની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગડદાપાટુનો માર મારતા દાણીલિમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

વિગત પ્રમાણે એએમસીના અધિકારીઓની એક ટીમ દ્વારા બહેરામપુરા ઓદ્યોગિક વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે દરમિયાન શહેરના દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડના દાણીલીમડાના ગુલાબનગર રોડ ઉપર આવેલા એક યુનિટમાં જઈ તપાસ કરી હતી. કાર્યવાહી દરમિયાન ત્યાં હાજર ઈસમો પાસે યુનિટ માટેના જરૂરી એવું જીપીસીબી દ્વારા અપાતું સીએએ સર્ટિફિકેટ માંગતા તેઓ પાસે ન હોવાનું જણાઈ આવ્યું હતુ. જે બાદ એએમસીની ટીમે હાજર ઈસમોને બહાર નીકળી જવા જણાવતા  યુનિટના માલિક આવી પહોંચ્યા હતા અને યુનિટના આ બન્ને માલિકોએ એએમસીની ટીમ સાથે ગેરવર્તણૂંક કરી અપશબ્દો બોલી જો યુનિટ સીલ કર્યું તો બધાને યુનિટમાં પૂરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

એએમસીની ટીમના અધિકારીઓ એકમ સીલ મારવાની કાર્યવાહી કરવા જતા એક માલિકે અપશબ્દો બોલી સીલ નહીં મારવા માટે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાદ આ બન્ને ઇસમોએ એકદમ ઉશ્કેરાઈ જઈને એએમસીના સબઝોન-4માં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર સાથે મારા મારી કરી તેમને નીચે પાડી દઈ ગડદા પાટુનો માર માર્યો હતો. એએમસીની ટીમના અન્ય સભ્યોએ તેમને છોડવી વધુ મારથી બચાવ્યા હતા. આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં આ યુનિટના માલિકો સામે એકબીજાની મદદગારીમાં રહી એએમસીની ટીમને ફરજ બજાવટમાં રૂકાવટ પેદા કરી અપશબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપી ગડદા પાટુનો મારા મારતા ફરિયાદ નોંધાવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં જુદા જુદા ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું એફ્લ્યુએન્ટ મ્યુનિસિપલ ડ્રેનેજ પાઈપ લાઈનમાં છોડાતા સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે. આવા ગેરકાયદેસર એકમો દ્વારા કરવામાં આવતા કૃત્યને અટકાવવા માટે હાઈકોર્ટના હુકમ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18 જુલાઈના રોજ ઓફિસ ઓર્ડર કરી 40 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે. એએમસીની ડ્રેનેજ લાઇનમાં છોડાતા ઔદ્યોગિક એકમોના એફ્લ્યુએંટને રોકવા માટે તૈયાર કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિઝરના અમલ અને ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદેસર ઠલવાતા ટેન્કરને રોકવાની કામગીરી માટે આ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમો 19 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી સવારના 6થી બપોરના 2 કલાક સુધી, બપોરના બે વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી અને રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કામગીરી કરશે.

જોકે, અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, અમદાવાદના એસટીપીમાં ઔદ્યોગિક ગંદુ પાણી ઠલવાતું હોવાના કારણે તેના કમ્પોનન્ટ્સ જલ્દીથી ખરાબ થઈ જાય છે જેના કારણે તે પરફોર્મ કરી શકતું નથી અને ગંદા પાણી ટ્રીટમેન્ટ વગર નદીમાં ઠલવાય છે. તેની સામે ગુજરાત રાજ્યના અમદાવાદ સિવાયના એક પણ એસટીપીમાં ઔદ્યોગિક ગંદુ પાણી ઠલવાતું ન હોવાના કારણે એસટીપીના કોમ્પોનેટ્સ ખરાબ થતા નથી, ઉદાહરણ તરીકે જોઈએ તો, સુરતમાં એસટીપીના પાણીનું ટર્સરી ટ્રીટમેન્ટ કરી તેને ઉદ્યોગોને વપરાશ માટે વેચાતું પૂરું પાડવામાં આવે છે કારણ કે ત્યાં ઉદ્યોગોનો ગંદુ પાણી કોર્પોરેશન લાઈનો દ્વારા એસટીપીમાં ઠલવાતું નથી. આ ઉપરાંત કડક કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના કારણે રાજ્યના અન્ય સ્થળોએથી પણ ટેન્કરોમાં ઉદ્યોગોનું ગંદુ પાણી અમદાવાદમાં લાવી કોર્પોરેશનની ગટરોના મેન હોલ ખોલી ઠાલવવામાં આવી રહ્યાં હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે, જે ગંદુ પાણી અંતમાં એસટીપીમાં પહોંચતા એસટીપી ખરાબ થાય છે. જીપીસીબી દ્વારા ટેન્કરો દ્વારા થતા ઉદ્યોગોના ગંદા પાણીના પરિવહનનું ઓનલાઇન મોનિટરિંગ કરવાની વ્યવસ્થાને જો યોગ્ય રીતે અમલી બનાવવામાં આવે તો બહારથી આવતા ટેન્કરો રોકી શકાય છે, જેના પગલે સાબરમતી નદીને પ્રદૂષિત થતી રોકવામાં મહત્વપૂર્ણ સફળતા મળી શકે છે.

હાલમાં દાણીલીમડાના નાનાં-નાનાં ઉદ્યોગોથી નીકળતા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરને ટ્રીટ કરવા માટે  અ.મ્યુ.કો.નાં સહકારથી સ્થાપેલ AHSPA સી.ઈ.ટી.પી.માં ટ્રીટમેન્ટનાં પરિણામો જોગવાઈઓ અનુસાર નહીં મળવાનાં કારણે તેમજ નિયમોનું ઉલ્લંધન થતો હોઈ જી.પી.સી.બી. કચેરીએ ગઈ તા: ૦૭ જુન ૨૦૨૪નાં દિવસે સી.ઈ.ટી.પી.નું વીજ જોડાણ કાપવાનો હુકમ કરેલ હતો. જેથી દાણીલીમડા અને સુવેજ ફાર્મ વિસ્તારનાં ઉદ્યોગો બંધ થયેલ હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ઉદ્યોગો દ્વારા રાત્રીનાં સમયે પોતાનાં ઉદ્યોગો ચાલું રાખી ભુતિયા ગટર કનેક્શનો મારફતે કોર્પોરેશન સંચાલિત એસટીપીમાં પોતાનું કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી નિકાલ કરાઈ રહ્યું હોય તેવી ઘટનાઓ પણ સામે આવી હતી.

દાણીલીમડા વિસ્તારમાં વર્ષોની મહેનત બાદ નાનાં-નાનાં ઉદ્યોગોને મદદરૂપ થવાનાં આશયથી “કોર્પોરેશનનાં કરોડો રૂપિયાની નાણાકીય સહાયતાથી ઉભું થયેલ CETP (ટ્રીટમેન્ટ પ્લાન્ટ)”નું સંચાલન AHSPA હસ્તક હોવાથી તેમજ તે સંસ્થાકીય વહીવટમાં સુવેજ ફાર્મ વિસ્તારનાં ઉદ્યોગ સંચાલકોએ સભ્યપદ મેળવ્યા બાદ કમિટી હોદ્દેદાર બની ગયેલ હોઈ “CETP (પ્લાન્ટ) નો ભવિષ્ય તેમજ અસ્તિત્વ અંધકારમય” દેખાય છે. જેનાથી કોર્પોરેશન અને સરકારની નાનાં ઉદ્યોગોને મદદરૂપ થવાનાં સ્વપ્નને વિપરીત અસર થાય તેવું દેખાઈ રહ્યું છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news