કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત વડગામ તાલુકાના ચાંગા પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો
“નવા જીવનની રાહ છે શિક્ષણ, અંધારે દીપપ્રકાશ છે શિક્ષણ”.
વડગામઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪”ના અંતિમ દિવસે બનાસકાંઠાના વડગામ તાલુકાના ચાંગા ગામે પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહ્યા હતા.
ચાંગા પ્રાથમિક શાળા ખાતે “સુસ્વાગતમ્” બાલ સ્વાગતગીત, બાલવક્તા, તેજસ્વી વિદ્યાર્થી અને દાતાઓનું સન્માન, લર્નિંગ કોર્નર, સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળાનું લોકાર્પણ, શાળાની સમીક્ષા, વૃક્ષારોપણ, સ્માર્ટ ક્લાસરૂમ, આંગણવાડી, વિષયને સમર્પિત ઓરડાઓ સહિત કાર્યક્રમની વિશેષતા રહેવા પામી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે “બાળકો ગુજરાત અને ભારતનું ભવિષ્ય છે અને આપણું ભવિષ્ય સુંદર હોવું જોઈએ”- આ વિચારને સાર્થક કરવાનો છે.
૧૯૪૯માં સ્થપાયેલી આ શાળામાં હાલ ૪૪૨ વિદ્યાર્થીઓ ભણે છે અને આજે આંગણવાડીમાં ૧૫, બાલવાટિકામાં ૪૨, ધોરણ-૧માં ૪૮, ધોરણ-૯માં ૫૩ એમ કુલ ૧૫૮ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ અપાવ્યો, જે પૈકી ૭૭ કુમાર અને ૮૧ કન્યાઓ છે.
આ પ્રસંગે ગોવિંદભાઈ ચૌધરી, પ્રવિણસિંહ રાણા, કેસરભાઈ, અશ્વિનભાઈ, જશુભાઈ સહિત ચાંગા ગામના સામાજિક આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.