ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મહાસત્તા બનવા જઈ રહ્યું છેઃ વડાપ્રધાન મોદી

  • વડાપ્રધાને આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું
  • ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાણંદ ખાતે રહ્યા ઉપસ્થિત
  • ધોલેરા ખાતે ₹91,000 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL)નો પ્લાન્ટ દેશનો સર્વપ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ
  • ધોલેરા અને સાણંદ ખાતે નિર્માણ પામનાર પ્રકલ્પો દેશની સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમને વેગ આપવામાં તથા ટેક્નોલોજિકલ ડિકેડ (Techade) અને વિકસિત ભારતના નિર્માણમાં ચાવીરૂપ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી  આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું હતું.

અમદાવાદના ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL)ના  કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબના ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાણંદ ખાતે સીજી પાવરના OSAT ફેસિલિટીના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, આજનો ઐતિહાસિક પ્રસંગ ભારત માટે ઉજ્જવળ ભવિષ્યની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે, કારણ કે ગુજરાતમાં ધોલેરા અને સાણંદ તથા આસામમાં મોરેગાંવમાં આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ મુખ્ય સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પરિયોજનાઓ ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વધુમાં ઉમેર્યું કે, મેડ ઇન ઇન્ડિયા અને ડિઝાઇન ઇન ઇન્ડિયા ચિપ્સ ભારતને સ્વનિર્ભરતા અને આધુનિકીકરણ તરફ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિવિધ કારણોસર પ્રથમ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિઓ ચૂકી ગયા પણ હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ડસ્ટ્રી 4.0નું નેતૃત્વ કરવાના ઇરાદા સાથે આગેકૂચ કરી રહ્યું છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલી હરણફાળની વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, બે વર્ષ અગાઉ સેમિકન્ડક્ટર મિશનની જાહેરાત વિશે વાત કરી હતી અને થોડા જ મહિનાઓ પહેલા એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા અને હવે ત્રણ પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ, “ઈન્ડિયા કમિટ્સ, ઈન્ડિયા ડિલીવર્સ એન્ડ ડેમોક્રેસી ડિલીવર્સ’ શકય બન્યું છે.

વડાપ્રધાને દેશના યુવાઓ વિશે વાત કરતાં કહ્યું કે, આજે 60,000થી વધારે કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આ કાર્યક્રમ સાથે જોડાયેલી છે. આજનો આ કાર્યક્રમ દેશનાં યુવાનોનાં સ્વપ્નોને સાકાર કરનારી ઘટના છે, કારણ કે તેઓ જ ભારતના ભવિષ્યના ખરા ભાગીદાર છે.  તેમણે વધુમાં કહ્યું કે, યુવાનો જોઈ રહ્યા છે કે ભારત કેવી રીતે આત્મનિર્ભરતા અને ગ્લોબલ સપ્લાય ચેનમાં મજબૂત હાજરી માટે બહુઆયામી રીતે કામ કરી રહ્યું છે. આત્મવિશ્વાસથી ભરપૂર યુવા રાષ્ટ્રનું ભાગ્ય બદલી નાખે છે, એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

21મી સદીમાં ટેકનોલોજી આધારિત ઇલેક્ટ્રોનિક ચિપ્સની જરૂરિયાત વિશે વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ ચિપ્સ ભારતને સ્વનિર્ભરતા અને આધુનિકીકરણ તરફ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

દરેક સેકન્ડનો ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને વડાપ્રધાને આજના કાર્યક્રમને સરકાર જે ઝડપથી કામ કરી રહી છે તેની સાબિતી આપતું ઉદાહરણ ગણાવ્યું હતું.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલી ઝડપી પ્રગતિ વિશે સમજાવતાં વડાપ્રધાને બે વર્ષ અગાઉ સેમિકન્ડક્ટર મિશનની જાહેરાત વિશે વાત કરી હતી અને થોડા જ મહિનાઓ પહેલા એમઓયુ પર હસ્તાક્ષર થયા બાદ ખૂબ જ ઝડપથી કામગીરી કરીને ત્રણ પ્રોજેક્ટ માટે શિલારોપણ કરવામાં આવ્યું છે, આ બતાવે છે કે, “ઈન્ડિયા કમિટ્સ, ઈન્ડિયા ડિલીવર્સ એન્ડ ડેમોક્રેસી ડિલીવર્સ.”, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે દુનિયામાં ફક્ત ગણ્યાગાંઠ્યા દેશો જ સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન કરી રહ્યાં છે. સાથે જ તેમણે કોરોનાને કારણે ઊભી થયેલી અડચણો પછી વિશ્વસનીય સપ્લાય ચેઇનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ભારત આમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા આતુર છે તેમ જણાવીને તેમણે દેશની ટેક સ્પેસ, પરમાણુ અને ડિજિટલ પાવર પર પ્રકાશ પાડ્યો હતો.

સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વાણિજ્યિક ઉત્પાદનનો લાભ લેવા માટે ભારત અગ્રેસર છે, એ દિશામાં ભવિષ્યની યોજનાઓનું વિસ્તૃત વિવરણ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, “એ દિવસ બહુ દૂર નથી કે જ્યારે ભારત સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં વૈશ્વિક સત્તા બની જશે.”

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે લેવાયેલા નીતિગત નિર્ણયો માટે ભારતને ભવિષ્યમાં વ્યૂહાત્મક લાભ મળશે, સાથે જ તેમણે વેપાર-વાણિજ્યમાં સરળતાને પ્રોત્સાહન આપવાનો અને કાયદાનું સરળીકરણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાને જાણકારી આપી હતી કે, છેલ્લાં થોડાં વર્ષોમાં 40,000થી વધારે અનુપાલન નાબૂદ કરવામાં આવ્યાં છે અને એફડીઆઇ(FDI) માટેનાં નિયમો પણ સરળ બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ, વીમા અને ટેલિકોમ ક્ષેત્રોમાં એફડીઆઈ નીતિઓને ઉદાર બનાવવામાં આવી છે.

વડાપ્રધાને ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર ઉત્પાદનમાં ભારતના વધતા યોગદાન વિશે પણ વાત કરી હતી, જેમાં તેમણે મોટા પાયે ઇલેક્ટ્રોનિક અને આઇટી હાર્ડવેર ઉત્પાદન તથા ઇલેક્ટ્રોનિક ક્લસ્ટર્સ માટે પ્રદાન કરવામાં પીએલઆઇ(PLI) યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ભારત દુનિયામાં મોબાઇલનું બીજું સૌથી મોટું ઉત્પાદન કરે છે. ભારતના ક્વોન્ટમ મિશનની શરૂઆત કરાઈ છે.નવીનતાને પ્રોત્સાહન આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. ભારતના એઆઈ મિશનના વિસ્તરણ પર વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત ટેકનોલોજી અપનાવવા ઉપરાંત ટેકનોલોજીને આગળ વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે

વડાપ્રધાને કહ્યું હતું કે, સેમિકન્ડક્ટરનાં સંશોધનથી યુવાનોને સૌથી વધુ લાભ થશે. ઉદ્યોગોની વિશાળ શ્રેણી પર સેમિકન્ડક્ટરના વિસ્તરણનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું હતું કે, “સેમિકન્ડક્ટર એ માત્ર એક ઉદ્યોગ જ નથી, પણ તે અમર્યાદિત સંભવિતતાઓથી ભરેલાં દ્વાર ખોલે છે.”

વૈશ્વિક ચિપ ડિઝાઇન અને ઉત્પાદનમાં ભારતીય પ્રતિભાઓની વિશાળ હાજરી તરફ પણ ધ્યાન દોરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રમાં આજે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ભારતની પ્રતિભાની ઇકોસિસ્ટમ પૂર્ણ થઈ છે.

તેમણે જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી તેમના માટે ઊભી થયેલી તકોથી સારી રીતે વાકેફ છે, પછી તે અંતરિક્ષ ક્ષેત્ર હોય કે મેપિંગ ક્ષેત્ર. તેમણે યુવાનો માટે આ ક્ષેત્રો ખોલવાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે અભૂતપૂર્વ પ્રોત્સાહનનો શ્રેય આપતા કહ્યું હતું કે, આજનો આ પ્રસંગ સેમિકન્ડક્ટર સ્પેસમાં સ્ટાર્ટઅપ માટે નવી તકોનું સર્જન કરશે. સાથે જ તેમણે આજની તારીખે ઉપલબ્ધ વિવિધ પ્રોજેક્ટ યુવાનો માટે અસંખ્ય અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંબંધિત રોજગારી પ્રદાન કરશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લાલ કિલ્લા પરની વાત યાદ કરતા – ‘યહી સમય હૈ સહી સમય હૈ’  એમ જણાવીને વડાપ્રધાને કહ્યું હતું કે, આ માન્યતા સાથે લેવામાં આવેલી નીતિઓ અને નિર્ણયો નોંધપાત્ર પરિણામો આપે છે. ભારત હવે જૂના વિચાર અને જૂના અભિગમથી ઘણું આગળ વધી ગયું છે. ભારત હવે ઝડપી ગતિએ નિર્ણયો લઈ રહ્યું છે અને નીતિઓ બનાવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના સેમિકન્ડક્ટર સ્વપ્નોની સૌપ્રથમ કલ્પના 1960ના દાયકામાં કરવામાં આવી હતી, પરંતુ ઇચ્છાશક્તિના અભાવે તત્કાલીન સરકારો તેમના પર કામ કરવામાં નિષ્ફળ રહી હતી. વર્તમાન સરકારના ભવિષ્યલક્ષી અભિગમ પર વિશે વાત કરતાં વડાપ્રધાને વિકસિત દેશો સાથે સ્પર્ધા કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે સેમિકન્ડક્ટર ઉત્પાદનનો ઉલ્લેખ કર્યો હતો.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકારે દેશની તમામ પ્રાથમિકતાઓનું ધ્યાન રાખ્યું છે. તેમણે ગરીબો માટે પાકા મકાનો પણ બનાવ્યા છે અને સંશોધનને પણ પ્રોત્સાહન આપ્યું છે. વિશ્વની સૌથી મોટી સ્વચ્છતા ચળવળ પણ ચલાવી છે અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં આગળ વધવા માટે પણ કરી કર્યું છે.

વડાપ્રધાને કહ્યું હતું કે,”વર્ષ 2024માં જ રૂ. 12 લાખ કરોડથી વધારેનાં મૂલ્યની યોજનાઓનું લોકાર્પણ/ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.”

વડાપ્રધાને ગઈકાલે પોખરણમાં ભારત શક્તિ કવાયતનો ઉલ્લેખ કર્યો હતો જેણે 21મી સદીનાં ભારતનાં આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રની ઝાંખી કરાવી હતી અને ભારત અગ્નિ-5 સ્વરૂપે વિશ્વની વિશિષ્ટ ક્લબમાં સામેલ થયું હતું.

નમો ડ્રોન દીદી યોજના હેઠળ 2 દિવસ પહેલા જ હજારો ડ્રોન મહિલાઓને સોંપવામાં આવ્યા હતા જેણે કૃષિમાં ડ્રોન ક્રાંતિની શરૂઆત કરી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગગનયાન માટે ભારતની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે અને તાજેતરમાં જ ભારતના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર રિએક્ટરનું પણ ઉદ્ઘાટન થયું છે.

તેમણે ઉમેર્યું હતું કે, “આ તમામ પ્રયાસો ભારતને વિકાસના લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યા છે અને ચોક્કસપણે, આજની આ ત્રણ યોજનાઓની પણ આમાં મોટી ભૂમિકા હશે.

વડાપ્રધાને આજની દુનિયામાં AI ના ઉદભવ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ટૂંક સમયમાં જ તેમના સંબોધનનું બહુવિધ ભાષાઓમાં ભાષાંતર થવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે તેમનો સંદેશો સમગ્ર દેશમાં ભારતીય ભાષાઓમાં ફેલાવવાની પહેલ કરવા બદલ ભારતનાં યુવાનોની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાને કહ્યું હતું કે, “ભારતનાં યુવાનો સક્ષમ છે અને તેમને તકની જરૂર છે. સેમિકન્ડક્ટર ક્ષેત્ર આજે ભારતમાં આ તક લાવ્યું છે.” આજે આસામમાં ત્રણ સેમિકન્ડક્ટર સુવિધાઓમાંથી એકનો શિલાન્યાસ થઈ રહ્યો તે જણાવીને પૂર્વોત્તરમાં થઈ રહેલા વિકાસની તેમણે પ્રશંસા કરી હતી. સંબોધનના સમાપનમાં વડાપ્રધાને સૌને ભારતની પ્રગતિને મજબૂત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને કહ્યું હતું કે, “તમારા અને તમારા ભવિષ્ય માટે મોદીની ગેરંટી છે.”

આ અવસરે વડાપ્રધાને એ નાગરિકોને મુખ્ય પહેલો માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તાઇવાનના સેમિકન્ડક્ટર ઉદ્યોગના ઇન્ડસ્ટ્રી પ્લેયર્સની વર્ચ્યુઅલ હાજરીની નોંધ લીધી હતી.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ

સેમિકન્ડક્ટર પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારત માટે એક ઐતિહાસિક છે, કેમ કે આજે ભારતમાં કુલ 3 સેમિકન્ડકટર પ્લાન્ટનું ભૂમિપૂજન થઈ રહ્યું છે, જેમાં બે પ્લાન્ટ્સ ગુજરાતમાં અને એક પ્લાન્ટ આસામમાં આવનારા દિવસોમાં કાર્યરત થશે. 24 ફેબ્રુઆરી 2024ના રોજ દેશના આ 3 સેમિકન્ડકટર પ્લાન્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી અને 15 દિવસના ટૂંકા ગાળામાં જ આજે ત્રણ પ્લાન્ટનું ભૂમિ પૂજન થઈ રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 1962થી સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રીને લઈને ભારતમાં પ્રયાસો ચાલુ હતા. અંતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નિર્ણયશક્તિ અને વિઝનરી લીડરશીપને કારણે દેશને આ સફળતા મળી છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે,  આવનારા દિવસોમાં આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ થકી મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન સાણંદ અને મેડ ઇન આસામની ટેકનોલોજીનો દુનિયાભરમાં ડંકો વાગશે. એટલું જ નહીં, ડબલ એન્જિન સરકાર કેવી રીતે કામ કરી રહી છે, તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ધોલેરા ખાતે કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારતીય ઉદ્યોગો રોજેરોજ સફળતાના નવા આયામો સર કરી રહ્યા છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પ અંતર્ગત વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ એવાં કેટલાંય કામો શક્ય બન્યા છે, જે અસંભવ જણાતાં હતાં. સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ સેકટર પણ આવો જ એક ઉપક્રમ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માને છે કે સમસ્યા અને સંભાવનાઓમાં માત્ર મનોવૃત્તિનો જ ફરક હોય છે. સમસ્યાઓને સંભાવનાઓમાં બદલવી એ જ મોદીજીની ગેરંટી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આધુનિક સમયમાં વિવિધ ક્ષેત્રે ટેકનોલોજીના વિસ્તાર અને જરૂરિયાતો વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે દેશમાં હેલ્થ, એગ્રિકલ્ચર, લોજિસ્ટિકસ જેવાં કેટલાંય ક્ષેત્રોમાં સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. આજે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) અને આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ(AI) આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. આ બધી મોર્ડન ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચીપ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ રહેલાં છે.  વિશ્વમાં આજે સેમિકન્ડક્ટર ચીપ માટે એક રિલાયેબલ સપ્લાય ચેઈનની જરૂરિયાત ઊભી થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના દિશાદર્શનમાં સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ ક્ષેત્રે ગુજરાતને ભારતનું કેન્દ્ર બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. વડાપ્રધાને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું જે વિઝન આપ્યું છે તેને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. વડાપ્રધાનના આ વિઝનને સાકાર કરવા માટે ગુજરાત પાસે અપાર ક્ષમતાઓ છે. સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે અલગ સેમિકન્ડક્ટર પોલિસી બનાવનારું ગુજરાત પહેલું રાજય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ અંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની સેમિકન્ડક્ટર પોલિસીની ખાસ વાત એ છે કે ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને રાજ્યમાં ઓટોમેટિક મંજૂરી મળી જાય છે. તેમને અન્ય કોઈ વિશેષ મંજૂરીની જરૂરિયાત રહેતી નથી. ધોલેરામાં આકાર લઈ રહેલી સેમિકોન સિટી દેશનું એકમાત્ર ડેસ્ટિનેશન છે, જ્યાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર સાથે સંકળાયેલી બધી જ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. જેના કારણે વિશ્વની ઘણી સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ ક્ષેત્રની કંપનીઓ અહીં આવવા માટે ઉત્સુક છે, એમ તેમણે ઉમેર્યું હતું.

નવા શરૂ થવા જઈ રહેલા પ્લાન્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ઉપલબ્ધ રોકાણની દરેક શક્ય તમામ તકોનો યથાયોગ્ય ઉપયોગ કરવાના આશય સાથે રાજ્ય સરકારે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશનની સ્થાપના પણ કરી છે. જાન્યુઆરી માસમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરજીએ ધોલેરા ખાતે પોતાના સેમિકન્ડક્ટર પ્લાન્ટની જાહેરાત કરી હતી. તેના બે જ મહિનામાં આજે ધોલેરા ખાતે ટાટા અને સાણંદ ખાતે સીજી પાવર પોતાના પ્લાન્ટના ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારની કાર્ય પ્રતિબદ્ધતાનું આ જીવંત ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ અંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,   ધોલેરામાં ઉપલબ્ધ ઔદ્યોગિક સુવિધાઓ સેમિકન્ડક્ટર જેવા વૈશ્વિક માંગ ધરાવતા સેકટર માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ શ્રેષ્ઠ લોકેશન છે. આ ઉપરાંત, અમદાવાદ ધોલેરાને જોડતો નેશનલ હાઇવે, રિજિયોનલ રેલવે તથા ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે જરૂરી લોજિસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

ધોલેરા અને સાણંદમાં સ્થાપાનાર બન્ને યુનિટ રોજગારીની વિપુલ તકો ઊભી કરશે. ગુજરાતમાં નિર્મિત સેમિકન્ડક્ટર ચીપ ભારત સહિત વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં આવશે. વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’ ના વિચારને વાસ્તવિક રૂપ આપવાની દિશામાં ભારત જલ્દી સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ પ્લેયર બનીને ઊભરશે અને ગુજરાત તેમાં સૌથી મોટું યોગદાન આપનારું રાજ્ય બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે ટાટા સન્સ પ્રા.લિ.ના ચેરમેન એન. ચંદ્રશેખરનએ કહ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે શક્ય બન્યો છે. એટલું જ નહિ, ટાટા ગ્રૂપ માટે આજનો દિવસ ખરેખર ખાસ દિવસ છે, કારણ કે ધોલેરામાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું આજે ભૂમિપૂજન થયું છે. આ પ્લાન્ટ થકી મોટા પ્રમાણમાં લોકોને રોજગારીની તકો પણ આવનારા દિવસોમાં ઉપલબ્ધ થશે. આ સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સિજી(CG) પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડના ચેરમેન વેલ્લાયન સુબૈયાએ આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક છે.  તેમણે કહ્યું કે, સેમિકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે અને દેશ આગેકૂચ કરી રહ્યો છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતી આ દિશા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અમે અમારું પૂર્ણ યોગદાન આપવા સંકલ્પબદ્ધ છીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

આજના આ કાર્યક્રમમાં ધોલેરા ખાતે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને અને TATA ઇલેક્ટ્રોનિક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રણધીર ઠાકુર વચ્ચે તથા સાણંદ ખાતે મિશન ડાયરેક્ટ – GSEM વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મનીષ ગુરવાણી તેમજ CG પાવરના ચેરમેન વેલ્લાયન સુબૈયા વચ્ચે ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MOU સાઇન કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોલેરામાં કુલ રૂપિયા 91 હજાર કરોડના રોકાણ સાથે ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તાઇવાનની કંપની પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને પ્લાન્ટની સ્થાપના કરશે. આ પ્લાન્ટ પ્રતિમાસ 50,000 સેમીકંડકટર વેફરનું ઉત્પાદન કરશે. ઈલેક્ટ્રીક વ્હીકલ, ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટીવ અને પાવર મેનેજમેન્ટમાં આ પ્રકારની સેમિકન્ડક્ટર ચીપનો ઉપયોગ થાય છે.

સાણંદમાં સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન-જાપાન અને સ્ટાર્સ માઈક્રો ઇલેક્ટ્રોનિક્સ- થાઈલેન્ડના સંયુક્ત ઉપક્રમે  ₹7600 કરોડના રોકાણથી સેમિકન્ડક્ટર એ.ટી.એમ.પી. પ્લાન્ટ શરૂ થશે. આ બંને પ્લાન્ટ આવનારા દિવસોમાં 25,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે. દેશભરમાંથી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી ક્ષેત્રોના નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમને નિહાળ્યો હતો.

કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબના ખાતમુહૂર્ત પ્રસંગે ધોલેરા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, મુખ્ય સચિવ રાજકુમાર, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ટાટા સન્સના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે સાણંદ ખાતે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, સ્થાનિક ધારાસભ્યો, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી વિભાગના સેક્રેટરી એસ.કૃષ્ણન, મુરુગપ્પા ગ્રૂપ તથા સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લિ. તથા રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશનનાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news