સાબરતમતી નદીમાં પ્રદૂષણ ઘટ્યું ન હોવાનું જીપીસીબીનો સોગંદનામામાં સ્વિકાર
અમદાવાદઃ સાબરમતી નદીમાં હજુ પણ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યાની વાત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાઈકોર્ટમાં સ્વિકારવામાં આવી છે. જીપીસીબીએ રજૂ કરેલા સોગંદનામામાં સ્વિકાર્યું છે કે હજુ સુધી એસટીપીના નિયમ મુજબ નદીના પાણીમાં પ્રદૂષણની માત્રા ઓછી થઇ નથી. જીપીસીબીએ અમદાવાદમાં સાત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ત્રણ કોમન એફ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સમીક્ષા કરી હતી, જેમાંથી છોડાતું પાણી ધારા-ધોરણ પ્રમાણે ન હોવાનું જીપીસીબી દ્વારા સ્વિકારવામાં આવ્યું છે.
જીપીસીબી દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સાબરમતી નદીમાં છોડાતા પાણીમાં રંગ, ટીડીએસ અને એફડીએસના ધારા-ધોરણો ન જળવાતા હોવાનો સ્વિકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જીપીસીબીને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ જોડાણો મળી આવ્યા છે. જીપીસીબીએ પોતાના સોગંદનામાં બોર્ડ દ્વારા માત્ર ઇન્ડસ્ટ્રિયલ જોડાણો સામે પગલા લઇ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે. ગેરકાયદેસર રહેણાંક અને કોમર્શિયલ જોડાણો સામે કરવાની કાર્યવાહીને લઇને બોર્ડ અનુત્તર જોવા મળ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા બાબતે વર્ષ 2021માં હાઈકોર્ટે સુઓમોટો અરજી લીધી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં પર્યાવરણ નિષ્ણાતોનો સમાવેશ કરતી એક જોઇન્ટ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.
*File Photo