ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે આયોજિત “રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર”માં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને સમય કરતાં હંમેશા બે કદમ આગળનું વિચાર્યું હતું. જ્યારે દેશમાં સોલાર એનર્જીની ફક્ત વાતો થતી હતી ત્યારે ગુજરાતમાં ચારણકાનાં રણ પ્રદેશમાં એશિયાના પ્રથમ સોલાર પાર્કનો પાયો નાખ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝીશનનાં જે ત્રણ મુખ્ય આધાર કહ્યાં છે તેમાં લીડ લઈને ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાને આપેલા ત્રણ ધ્યેય – રિન્યૂએબલ ઊર્જાનું ઉત્પાદન વધારવું,ઇકોનોમીમાં ફોસીલ ફ્યૂઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી તરફ આગળ વધવા માટે ગુજરાત સતત પ્રયાસરત છે.
ફોસિલ ફ્યુઅલ આધારિત વીજ ઉત્પાદન પરની નિર્ભરતા ઘટાડીને સૌર તથા બિનપરંપરાગત ઊર્જાથી ઊર્જા આત્મનિર્ભરતાની વડાપ્રધાનની નેમ ગુજરાતે બે દાયકામાં સાકાર કરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના વિચાર સાથે ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપીને ભારતે ઇકોનોમી અને ઇકોલોજીનું બેલેન્સ જાળવીને વિશ્વને મોટું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. તાજેતરમાં ભારતની જી-20 પ્રેસીડેન્સી હેઠળ બધા દેશોએ સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ પર સહમતી દર્શાવી છે.
ગુજરાતની રિન્યૂએબલ અનર્જી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનના વિઝનથી રિન્યુએબલ એનર્જી સેક્ટરની ગતિને કારણે આજે ગુજરાત દેશમાં રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. દેશની કુલ રિન્યૂએબલ એનર્જીની કેપેસીટીમાં રાજ્યનું યોગદાન 16 ટકા જેટલું છે. 11 ગીગાવોટ વિન્ડ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે ગુજરાત દેશમાં વિન્ડ એનર્જીમાં અને ગુજરાત સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલેશનમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન ધરાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિન્યૂએબલ અનર્જીની દિશામાં ગુજરાતના આ બધા જ પગલાઓને મિશન લાઈફ થકી સ્વચ્છ પર્યાવરણ અને નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવનશૈલી માટેના વડાપ્રધાનના વિચારને પૂરક ગણાવ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડામાં નિર્માણાધીન રિન્યૂએબલ એનર્જી પાર્કનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, 30 ગીગાવોટનો સોલાર એન્ડ વિન્ડ એનર્જી પાર્ક વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક છે. આ એનર્જી પાર્ક લગભગ વર્ષ 2025 સુધીમાં કાર્યાન્વિત થઈ જશે. ગુજરાત રિન્યૂએબલ ઊર્જાનાં ઉત્પાદનની સાથે સાથે એનર્જી સ્ટોરેજ પર પણ કામ કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિનારમાં ગુજરાતની રિન્યૂએબલ પોલીસીની જાણકારી આપતા કહ્યું હતું કે, રિન્યૂએબલ ઊર્જા ક્ષેત્રમાં વધુ રોકાણો આવે તે માટે તાજેતરમાં જ નવી પ્રોત્સાહક રિન્યૂએબલ પોલિસી જાહેર કરી છે. પ્રોએક્ટીવનેસ, બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ અને રિન્યૂએબલ એનર્જી માટેનાં અનુકૂળ લેન્ડસ્કેપને કારણે ગુજરાત આ ક્ષેત્રનાં રોકાણકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે.
દેશના અમૃતકાળ 2047 સુધીમાં વિકસિત ભારતનાં નિર્માણ માટે ઊર્જા આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે. રિન્યૂએબલ ઊર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઊર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણ વાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા માટે તેમણે આહવાન કર્યું હતું.
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરવા પ્રતિબદ્ધ છે. આજે ગુજરાતે સૌર અને પવન ઉર્જા સેક્ટરમાં સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. દેશના પુનઃપ્રાપ્ય ઊર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% છે. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગનો સામનું કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ધ્યેયને પૂર્ણ કરવા ગુજરાત કામ કરી રહ્યું છે.
કેન્દ્રીય પુનઃપ્રાપ્ય ઊર્જા વિભાગના રાજ્ય મંત્રી ભગવંત ખૂબાએ ગુજરાતે પુન: પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સાધેલી પ્રગતિની સરાહના કરી હતી. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા સાકારિત થઈ રહી છે. ભારત વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે 300 GWનુ લક્ષ્ય હાસલ કરશે, તેઓ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી આર.પી ગુપ્તાએ જણાવ્યું હતું કે, વર્ષ 2047માં દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં 2000 GW નું લક્ષ્ય હાસલ કરી આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પૃથ્વીની ભેટ આપવી જોઈએ. સુઝલોન કંપનીના વાઇસ ચેરમેન શ્રી ગિરીશ તંતી એ જણાવ્યું હતું કે, આજે દેશની કુલ પવન ઊર્જામાંથી ફક્ત 8% ક્ષમતાનો જ ઉપયોગ (હાર્નેસ) કરવામાં આવી રહ્યો છે, જ્યારે 92% ક્ષમતાનો હજુ ઉપયોગ કરવાનો બાકી છે, જ્યારે સૌર ઊર્જા ક્ષમતામાં પણ ફક્ત 30% નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે 70 ટકા ઉપયોગ કરવાનો બાકી છે.
આ કાર્યક્રમમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સનાં અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ગુજરાત ઊર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે, નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન કુમાર બેરી, ફૂયુચરિયાના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રેબેકા ગ્રોએન, વેલસ્પન ન્યુ એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી કપિલ મહેશ્વરી, ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલના કન્ટ્રી ડિરેક્ટર શ્રી ફ્રાન્સિસ જયસૂર્યા સહિત અન્ય મહાનુભાવો, ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા.