કડકડતી ઠંડીની આગાહી વચ્ચે આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી
અમદાવાદઃ ગુજરાતમાં આ શું થવા બેઠું છે હવે એવો સવાલ થાય છે. હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી, ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે. ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનો છે. કારણ કે, આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગામી ૨૪ કલાકમાં ગુજરાતમાં વરસાદ આવશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી ૨૪ કલાકમાં વરસાદ પડી શકે છે. સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌથી ઓછું તાપમાન નલિયામાં ૧૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં ૧૫.૬ ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે, નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. ૧૬-૧૮ ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. ૧૮મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. ૨૩મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. ૨૩મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ૨૩ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.