અમેરિકી બહુરાષ્ટ્રીય કંપનીની સાણંદમાં ૩૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની યોજના
- કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ કોલ્ડ ડ્રિન્ક પ્લાન્ટ સ્થાપિત કરશે
અમદાવાદઃ અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની કોકા કોલા (TCCC)ની રાજ્યમાં રૂ.૩૦૦૦ કરોડના મૂડીરોકાણની યોજના છે. કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ કોલ્ડ ડ્રિન્ક પ્લાન્ટ સ્થાપિત કરશે. કંપની આ મૂડીરોકાણ FDI હેઠળ TCCCના પાર્ટનર્સ ઇન્ટરનેશનલ રિફ્રેશમેન્ટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિ. (IRIPL)ના માધ્યમથી કરશે. કંપનીની પાસે પોતાનો બોટલિંગ પાર્ટનર હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજીસ લિ.ના માધ્યમથી ગોબલેજમાં પહેલેથી સુવિધા છે. એ સિવાય એક સાણંદમાં પણ છે. કંપનીને સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ- -IIમાં પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ૧.૬ લાખ સ્કેવેર મીટરની જમીનની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્ય વહીવટના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે કંપનીએ પહેલેથી પોતાના બોટલિંગ ભાગીદારોના માધ્યમથી બે મોટા મૂડીરોકાણ કર્યાં છે. રાજ્ય સરકારે મંજૂરીની પ્રક્રિયામાં ઝડપ લાવી દીધી છે અને કંપનીને જમીનની ફાળવણી પહેલેથી કરી દીધી છે. રાજ્ય સરકારના ટોચના અધિકારીએ આપેલી માહિતી મુજબ કોકાકોલા હવે ગુજરાતના સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે. કંપની કુલ ૩૦૦૦ કરોડ આસપાસનું રોકાણ પણ કરવાની છે, આટલું જ નહિ, પરંતુ અનેક લોકોને રોજગારી પણ મળશે. ફૂડ અને બેવરેજીસની એક અનોખી ઇકો સિસ્ટમ પણ ગુજરાતમાં સ્થપાશે અને આગળ જતા ગુજરાત આ ક્ષેત્રે પણ પોતાનું નામ કરશે.
સાણંદ ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના પ્રમુખ અજિતભાઈ શાહ જણાવે છે કે સાણંદ હવે માત્ર ભારતની જ નહિ, પરંતુ વિદેશી કંપનીઓનું પણ હબ બનતું જાય છે. કોકાકોલાનો આ પ્લાન્ટ પશ્ચિમ ભારતમાં સપ્લાય કરશે અને બાદમાં તેનું વિસ્તરણ થાય તેવી પૂરી સંભાવના છે. આ સૂચિત કોકાકોલા પ્લાન્ટની વિશેષતા એ રહેશે કે સ્ટેટ ઓફ દ આર્ટ પ્લાન્ટ હશે અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે.