ભૂજ શહેરે ઝાકળની ચાદર ઓઢી, ભૂજીયો ડુંગર પણ થયો અદ્રશ્ય
ગુજરાતમાં હજી લોકોને ઠંડીથી રાહત નહિ મળે. કારણ કે, ૨૪ કલાક બાદ વાતાવરણમાં ફરી ઠંડીની અસર જોવા મળશે. તાપમાનમાં બેથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે. કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યાં સૌથી વધુ કડકડતી ઠંડીનો અહેસાસ થશે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોને કાતિલ ઠંડીથી સંપૂર્ણ છૂટકારો તો નથી મળ્યો. ૨૪ કલાક બાદ પુન ઠંડીનો ચમકારો અનુભવાશે. આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડીના પારામાં આંશિક ઘટાડો નોંધાયો હતો. આજથી ફરી ઠંડીમાં વધારાની શરૂઆત થઈ છે. આજથી અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં ઠંડી વધી છે. તો ગામડાઓમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. સમગ્ર કચ્છમાં ઝાકળ વર્ષા આજે સવારથી જોવા મળી રહી છે.
કચ્છમાં ધુમમ્સનું વાતાવરણ છવાયું છે. આખા ભૂજ શહેરે ઝાકળની ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આવામાં ભૂજીયો ડુંગર પણ અદ્રશ્ય થઈ ગયેલો દેખાય છે. વિઝીબિલિટી ઘટી જતાં વાહન ચાલકો પણ પરેશાની થઈ રહી છે. તો આવુ વાતાવરણ કેટલાક પાકોને ફાયદો તો કેટલાક પાકોને નુકશાન પહોંચાડે તેમ છે. બીજી તરફ, સુરતમાં ધુમમ્સને કારણે ફ્લાઈટને લેન્ડ કરવામાં તકલીફ પડી રહી હોવાનું સામે આવ્યું છે.
પાયલોટ દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. કેટલીક બિલ્ડીંગ પર લાલ લાઈટ મૂકવામાં આવી નથી. જે વિશે ઐરપોર દ્વારા તમામને નોટિસ પાઠવાઈ છે. તો બીજી તરફ, જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત હીમવર્ષા થઈ છે. પર્યટન સ્થળ ગુલમર્ગમાં સીઝનની બીજી વખત હીમવર્ષા નોંધાઈ છે. આ હીમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારનું તાપમાન ઘટ્યું છે. પ્રવાસીઓએ હીમવર્ષાનો આનંદ માણ્યો છે. તો ઘરોની છત પર બરફના થર જામ્યા છે. વૃક્ષો પર બરફના થર જામતાં ચારેતરફ સુંદરતા ખીલી ઉઠી છે.