રણ પ્રદેશમાં પાણીની અછતની સમસ્યાનું નિવારણ લાવી શકાય એવો અનોખો આઈડિયા
છાત્રોએ ઝાકળનાં પાણીને એકત્ર કરી તેના પાણીનો પીવા માટે ઉપયોગ કરવાનો પ્રોજેકટ રજૂ કર્યો
આણંદઃ રણપ્રદેશમાં વરસાદ નહીં થવાથી પાણીની અછત રહે છે અને માલધારીઓ પાણીની અછતને લઈને ઉનાળા દરમિયાન અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી જતા હોય છે. ત્યારે રણ પ્રદેશમાં વહેલી સવારે પુષ્કળ ઝાકળ પડતું હોય છે. આ ઝાકળનાં પાણીને એકત્ર કરી તેના પાણીનો પીવા માટે ઉપયોગ કરવાનો અનોખો આઈડિયા પ્રોજેકટ સ્વરૂપ રજૂ થયો છે.
વલાસણ ખાતે આયોજિત વિજ્ઞાનમેળામાં પેટલાદની પ્રાથમિક શાળાના સુમિત તળપદા અને રચના તળપદા બાળ વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રયોગ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં રણ પ્રદેશમાં બે મોટી પાઇપો વચ્ચે પાણીનું શોષણ નાં કરે તેવા બે કાપડ લગાવી નીચે કાપેલી પાઇપ મુકવામાં આવે છે જેમાં ઝાકળનું પાણી ટપકીને પાઈપ દ્વારા એક મોટા પાત્રમાં એકત્ર કરવામાં આવે છે. આ પાણીનો પીવા માટે અને સિંચાઈ માટે ઉપયોગમાં લઇ શકાય છે. બાળ વિજ્ઞાનીઓ દ્વારા વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલો આ પ્રયોગ જો સરકાર દ્વારા મોટા પાયે અમલમાં મુકવામાં આવે તો રણ પ્રદેશમાં પાણીની અછતની સમસ્યાનું નિવારણ લાવી શકાય છે.