નકલીનો ખેલઃ મોરબી જિલ્લામાં નકલી ટોલનાકું ધમધમી રહ્યું હોવાનો પર્દાફાશ

  • વઘાસીયા ગામે છેલ્લાં દોઢ વર્ષથી ગેરકાયદેસર ટોલનાકું ચાલતું હતું
  • ફોર વ્હીલના ૫૦, નાના ટ્રકના ૧૦૦, મોટા ટ્રકના ૨૦૦ રૂપિયા વસૂલવામાં આવતાં હતા
  • કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંતને નકલી ટોલનાકા અંગે તપાસ સોપાઈ

મોરબીઃ ગુજરાતમાં હવે નકલીનો ખેલ ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું પકડાયું છે. મોરબીમાં NHAIના ટોલનાકાની બાજુમાં ધમધમતું ગેરકાયદે ટોલનાકું ઝડપાયું છે. સરકારની નાક નીચે વઘાસીયા ગામે છેલ્લાં દોઢ વર્ષથી ગેરકાયદેસર ટોલનાકું ચાલતું હતું. એટલુ જ નહિ, નાના-મોટા વાહનો પસાર થાય તે પ્રકારે ગેરકાયદે ટોલનાકુ બનાવ્યું હતું અને ૫૦થી ૨૦૦ રૂપિયા સુધીનો ગેરકાયદે ટેક્સ પણ વસૂલાતો હતો.

મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકુ મામલો ગરમાયો છે. નેશનલ હાઇ વે ઓથોરીટીએ થોડા મહિના પહેલા કલેક્ટર અને એસપીને આવા ટોલનાકુ ચાલી રહ્યુ છે તે અંગેનો પત્ર લખ્યો હતો. આ પત્રમા તમામ વિગતો લખીને આપવામાં આવી હતી. મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવવા કવાયત શરૂ કરાઈ છે. પોલીસને ગેરકાયદેસર ટોલ તરફ જતા રસ્તા ઉપર તૈનાત કરાઈ છે, જેથી કોઈ મુસાફરો લૂંટાય નહિ. ગેરકાયદે ત્યાંથી નીકળતા ટ્રક, મેટાડોર સહિતના વાહનોને ટોલનાકા પર તરફ પાછા વાળવાની કામગીરી શરૂ કરાઈ છે. ગેરકાયદેસર ટોલનાકાના સમાચાર આવતાની સાથે જ પોલીસ વિભાગ અને તંત્ર દોડતું થયું છે.

વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે. બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી નકલી ટોલનાકું ઉભું કરી છેલ્લા દોઢ વર્ષથી કરોડોની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેમાં ફોર વ્હીલના ૫૦, નાના ટ્રકના ૧૦૦, મોટા ટ્રકના ૨૦૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. રવિ નામના નિવૃત્ત આર્મીમેન આ નકલી ટોલનાકું ચલાવી કરોડોની કમાણી કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે.

બાહુબલી લોકો આ નકલી ટોલનાકું ચલાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે કલેક્ટરે NHAI અને SDM પાસેથી આ અંગેનો રિપોર્ટ માંગ્યો. મહત્વનું છે કે ટોલનાકાની બાજુમાં આવેલાં કારખાનામાંથી ગેરકાયદેસર ટોલનાકું બનાવવામાં આવ્યું હતું. જ્યાંથી નાના-મોટા વાહનો પસાર થતા હતા. પરંતુ તેના માટે તેમણે પૈસા ચૂકવવા પડતા હતા. આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીએ થોડા મહિના પહેલાં કલેક્ટર અને એસપીને આ ટોલનાકા અંગે પત્ર પણ લખ્યો હતો.

ગેરકાયદે ચાલતા ટોલનાકા અંગે નેશનલ હાઇવે ઓથોરિટી અને સેફ વે કંપનીને જાણ થઈ હતી. ૩૦ જુલાઈ ૨૦૨૨ના પ્રાંત અધિકારીને પાત્ર લખી જાણ કરી હોવાનું સામે આવ્યું છે. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ના જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ છતાં કોઈ પગલાં ન લેવાયા. ૭ માર્ચ ૨૦૨૩ના જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છતાં કોઇ પગલાં નહિ. ૩૦ મે, ૨૦૨૩ના વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી કરી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઈ. પોલીસ સ્ટેશને ફરિયાદ ન લીધી હોવાથી ૧૬ જૂન, ૨૦૨૩ના ફરી પત્ર લખવામાં આવ્યો હતો. આટલા સ્થળોએ પત્રો લખવામાં આવ્યા છતાં અધિકારીઓએ પગલાં ન લેવાયા. હાલ કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંતને નકલી ટોલનાકા અંગે તપાસ સોંપવામાં આવી છે. ડીવાયએસપી પણ તપાસમાં જોડાયા હોવાની માહિતી મળી છે. મામલતદારની ટીમ વાઘસિયા ટોલ નાકા વિઝિટ કરી રવાના થઈ છે. જોકે, આ મામલે તંત્રએ મીડિયા સામે મૌન સેવ્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news