કમોસમી માવઠાને પગલે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન
ગાંધીનગરઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૨ દિવસથી વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ ૨૬ અને ૨૭મીએ માવઠાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ અંદાજિત ૬૦ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. અને આ માવઠાને કારણે ૧ મિલિમીટરથી લઈ ૧૪૪ મિલિમીટર જેટલો વરસાદ ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું એવું નુકસાન થયું છે. ખરીફ પાકોમાં કપાસ તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ જાપાનના પ્રવાસે હોવાથી તેમણે ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા રાજ્ય સરકારને સતત કાર્યરત રહેવા સૂચના આપી છે. તેમના જણાવ્યા અનુસાર વરસાદની માત્રા ઓછી થશે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે, તેનું સર્વે કરીને તેમની સહાય કરવામાં આવશે. તેમ તેમણે જણાવ્યું હતું. અંતે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે તેનું પણ સર્વે કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોની સહાય કરવા સરકાર કટિબદ્ધ છે.