પાંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 3 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે
નવી દિલ્હી: ચૂંટણી પંચે સોમવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે, જેમાં છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે જ્યારે અન્ય ચાર રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. આ તમામ રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે આવશે.
ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે. આ સિવાય મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ 07 નવેમ્બરે મતદાન થશે. છત્તીસગઢની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન થશે જ્યારે તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે.
તેમણે કહ્યું કે આ ચૂંટણીઓમાં કુલ 16.14 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.