હરિયાણામાં ભારે વરસાદ, ૧૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
હરિયાણામાં ભારે વરસાદને કારણે હાલત ખરાબ થઈ છે. રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ પડવાથી ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ અહીં ભારે વરસાદ પડવાની શક્યાતા છે. ૧૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હરિયાણામાં ઘણી જગ્યાએ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે અને NDRF-SDRF ની ટીમને પણ તૈયાર રહેવા જણાવાયું છે. રાજ્યમાં વરસાદ અને પૂરની સ્થિતિને જોતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ઈમરજન્સી મીટીંગ બોલાવી હતી. આ બેઠકના કારણે તેમણે તેના તમામ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કર્યા હતા. આ મીટીંગમાં સમગ્ર રાજ્યમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. CM ખટ્ટરે મહેસૂલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગૃહ વિભાગ, અર્બન લોકલ બોડી અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સવારે ૧૧ વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનર સાથે પણ બેઠક યોજી હતી. ભારે વરસાદને કારણે રાજ્યના ગુરુગ્રામના ઘણા ભાગોમાં પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ પણ થયો હતો. ગુરુગ્રામની કોટા કોલોનીમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. જિલ્લા તંત્રએ આજે તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાની સૂચના આપી હતી. ખાનગી ઓફિસોના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ આપી હતી.
હરિયાણામાં બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ૧૬ જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં પંચકુલા, અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કૈથલ, કરનાલ, મહેન્દ્રગઢ, રેવાડી, ગુડગાંવ, નૂહ, ઝજ્જર, પલવલ, ફરીદાબાદ, રોહતક, સોનીપત અને પાણીપતનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ દિવસથી હરિયાણામાં સતત વરસાદ પડી રહ્યો છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.