પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ’ સિંગલયુઝ પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરીએ

માનવીએ પોતાના જીવનને સરળ બનાવવા માટે ખુદનો ઘણો વિકાસ કર્યો. આદિકાળથી લઈને આધુનિક કાળ સુધીના માનવ જીવનને જોઈએ તો જાણવા મળે છે કે તેણે અઢળક નવસર્જનો થકી પોતાનો અને માનવજાતનો ઘણો ઉદ્ધાર કર્યો છે. પણ માનવીએ પોતાની સવલતો, જરૂરીયાતો અને અંગત સ્વાર્થ માટે કોઈક ને કોઈક રીતે જે પૃથ્વી પર પોતે વસી રહ્યો છે એનું, જે પ્રકૃતિની ગોદમાં ખીલી રહ્યો છે એનું અને જેનાથી એનું અસ્તિત્વ છે એવા પર્યાવરણને નજર અંદાજ કરતો આવ્યો છે. આજની વૈશ્વિક સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા પર્યાવરણનું હનન અને ગ્લોબલ વોર્મિંગ છે. એક સામાન્ય નાગરિક તરીકે આપણે આમાં કેટલા ભાગીદાર એવું વિચારીએ ત્યારે સમજાય કે રોજબરોજના વપરાશમાં ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બેગનો આપણે કેટલો બધો ઉપયોગ કરી રહ્યા છીએ. આ પ્લાસ્ટિક બેગનો વપરાશ બંધ નહીં કરવામાં આવે તો જળ, જમીન અને પ્રકૃતિનો નાશ થઈ જશે.

પ્લાસ્ટિક બેગ મુક્ત વિશ્વ શક્ય છે, એના માટે દેશના પ્રબુદ્ધ નાગરિક તરીકે અને પૃથ્વીના સંતાન તરીકે આપણે પ્લાસ્ટિકને હંમેશા માટે ના કહેવું જોઈએ અને જે છે એને રીસાયકલ કરીને ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય સિંગલ-યુઝ પ્લાસ્ટિક બેગની અવેજીમાં કપડાંની કે શણની વગેરેની થેલીઓ વાપરવી જોઈએ. પ્લાસ્ટિક મુક્ત વિશ્વ માટે પર્યાવરણીય વિકલ્પો પણ ઘણા છે ત્યારે પર્યાવરણીય પ્રેમી લોકો આ અંગેની જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ૩ જુલાઈએ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસનું આયોજન કરે છે. આ દિવસનો મુખ્ય ધ્યેય આ બિન-બાયોડિગ્રેડેબલ પદાર્થના ઉપયોગથી પર્યાવરણને થતા વધતા નુકસાન વિશે જાગૃતિ લાવવાનો છે. તે જાણવું ચિંતાજનક છે કે પ્લાસ્ટિકની થેલીને લેન્ડફિલમાં વિઘટિત થવામાં ૧,૦૦૦ વર્ષનો સમય લાગે છે.

ગાંધીનગર શહેરનું સિનિયર સિટીઝનનું નેચર ફર્સ્ટ ગ્રુપ દર શનિવારે પ્લાસ્ટિક મુક્તિ માટે આગળ આવે છે. શહેરના વિસ્તારોમાં જઈને તેઓ પ્લાસ્ટિક કચરો એકઠો કરે છે અને આ પ્લાસ્ટિકને રિસાયકલ માટે મોકલે છે. ઉપરાંત પ્લાસ્ટિકની થેલીના બદલામાં કપડાંની થેલી આપે છે. નેચર ફર્સ્ટના કાર્યકરો માને છે કે પ્રકૃતિને આપણા સ્વહિતોથી વધુ પ્રાધાન્ય આપવું પડશે. આવનારી પેઢી માટે કુદરતી સંસાધનો છોડવા એ આપણી નૈતિક ફરજ બને છે.

પ્લાસ્ટિક પર્યાવરણની વૈશ્વિક સમસ્યા છે ત્યારે સ્વૈચ્છિક સંગઠનોની સાથે સરકાર પણ આગળ આવી છે. તાજેતરમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો, ૨૦૨૧ ને સૂચિત કર્યું છે. આ નિયમો વર્ષ ૨૦૨૨ સુધીમાં “ઓછી ઉપયોગિતા અને ઉચ્ચ કચરાની સંભાવના” ધરાવતા વિશિષ્ટ સિંગલ-યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકે છે.

નવા નિયમો મુજબ ૧ જુલાઈ, ૨૦૨૨ થી ઓળખાયેલ સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હાલમાં પ્લાસ્ટિકની થેલીઓ માટે પરવાનગી મળેલી જાડાઈ ૫૦ માઇક્રોનથી વધારીને ૧૨૦ માઇક્રોન કરવાની જોગવાઈ કરાઇ છે. આનું કારણ એ કે વધુ જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓ કચરા તરીકે વધુ સરળતાથી હેન્ડલ કરવામાં આવે છે અને તેની રિસાયક્લિંગની ક્ષમતા પણ વધી જાય છે.

હકીકતે પ્લાસ્ટિક તેની ઉપયોગિતા અને ઓછી કિંમતને કારણે આપણા રોજિંદા જીવનમાં સર્વવ્યાપક બની ગયું છે. દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવે છે, જેમાંથી મોટાભાગનો મહાસાગરોમાં સમાપ્ત થાય છે, જે પ્રક્રિયામાં વન્યજીવન અને ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે.

સિંગલ-યુઝ પ્લાસ્ટિક અથવા નિકાલજોગ પ્લાસ્ટિકનો ઉપયોગ ફેંકી દેવા અથવા રિસાયકલ કરવામાં આવે તે પહેલાં માત્ર એક જ વાર કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક એટલું સસ્તું અને અનુકૂળ છે કે તેણે પેકેજિંગ ઉદ્યોગમાં અન્ય તમામ સામગ્રીઓનું સ્થાન લીધું છે, પરંતુ તેનું વિઘટન થતાં સેંકડો વર્ષોનો સમય લાગે છે. આપણા દેશમાં દર વર્ષે જનરેટ થતા કુલ પ્લાસ્ટિકના કચરામાંથી મોટાભાગનું સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. વિઘટનની પ્રક્રિયામાં, તે ઝેરી રસાયણોનો સ્ત્રાવ કરે છે જે આપણા ખોરાક અને પાણીમાં પ્રવેશ કરે છે.

સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓને કારણે થતું પ્રદૂષણ એ તમામ દેશો સામે એક મહત્વપૂર્ણ અને ગંભીર પર્યાવરણીય પડકાર બની ગયું છે અને ભારત સિંગલ-યુઝ પ્લાસ્ટિક કચરાથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે પગલાં લેવા પ્રતિબદ્ધ છે. વર્ષ ૨૦૧૯ માં, ચોથી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ એસેમ્બલીમાં, ભારતે સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઉત્પાદનોને કારણે પ્રદૂષણની સમસ્યાને ઉકેલવા માટે એક ઠરાવ રજૂ કર્યો. ભારત માટે ગર્વની વાત છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત સિંગલ-યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.

દેશના નાગરિક તરીકે આપણે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નકશા કદમ પર ચાલીને રોજબરોજના જીવનમાંથી પ્લાસ્ટિકને હંમેશા માટે નકારીને ખુદનું અને આવનારી પેઢીઓનું સ્વચ્છ, સુદ્રઢ અને હરિયાળું ભવિષ્ય નક્કી કરીએ એ ઇચ્છનીય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news