હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતાં ૮ લોકો દટાયા, ૪ બાળકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદે અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. પંચમહાલથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક દિવાલ પડવાથી ચાર બાળકોના મોત થયાના સમાચાર મળ્યા છે. માહિતી પ્રમાણે જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને આ વરસાદના કારણે પંચમહાલ જિલ્લા હાલોલના ચંદ્રપુરા ગામની જીઆઇડીસીમાં એક દિવાલ ધરાશાયી થતાં ચાર બાળકોના મોત થયા હતા અને એક મહિલા આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી પ્રમાણે, હાલોલ GIDCમાં આ દિવાલ ધરાશાયી થઇ હતી, જેમાં કુલ ૮ લોકો દટાયા હતા, આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકો શ્રમિકો છે અને તેઓ મધ્યપ્રદેશથી ગુજરાતમાં કામ કરવા આવ્યા હતા. હાલમાં ૨ મહિલા સહિત ૪ લોકો સારવાર હેઠળ છે.ઉલ્લેખનીય છે કે, વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક ગામડાંઓ અને શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.