ડભોઈમાં ૭ ઈંચ, કરજણમાં ૬ઈંચથી જળબંબાકાર
વડોદરા જિલ્લામાં પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને તમામ તાલુકાઓમાં હળવેથી ભારે વરસાદ થયો હતો. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઉપરોક્ત સમય દરમિયાન સૌથી વધુ ૧૮૩ મિ.મી, ડભોઇમાં અને ૧૪૪ મિ.મી, કરજણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે પાદરામાં ૪૬, વડોદરામાં ૩૮ અને શિનોરમાં ૩૪ મિ.મીની સાથે અન્ય ત્રણ તાલુકાઓમાં ૮ થી ૨૦ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.વડોદરા શહેર-જિલ્લામાં મોસમના કુલ વરસાદની બાબતમાં જિલ્લાની પરિસ્થિતિ સારી છે. અત્યાર સુધીમાં કરજણ, ડભોઇ અને પાદરા તાલુકાઓમાં મોસમનો ૬૦ ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. મોસમનો લઘુત્તમ ૨૩.૯૩ ટકા વરસાદ છેવાડાના ડેસર તાલુકામાં થયો છે. જ્યારે બાકીના ત્રણ તાલુકાઓમાં ૪૨ થી ૫૮ ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ત્રણ તાલુકાઓમાં મોસમનો ૬૦ ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે.ડભોઇ અને કરજણ તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે માર્ગોનું પણ મોટા પાયે ધોવાણ થયું છે. રસ્તાઓ તૂટી જતાં વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. ખેતરો તળાવોમાં ફેરવાઇ ગયા છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. નોકરી-ધંધાર્થે જતા લોકોને ઘરમાંજ બેસી રહેવાની ફરજ પડી રહી છે. કેટલાક લોકો જોખમ લઇને નોકરી-ધંધાર્થે જવા નીકળ્યા છે. ચારેકોર પાણી હોવાના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જઇ શક્યા નથી.
જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ લોકોને ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ બંને તાલુકાની મોટા ભાગની પ્રાથમિક સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદે આ બંને તાલુકામાં હાહાકાર મચી ગયો છે. આ બંને તાલુકામાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. ડભોઇ તાલુકામાં અનરાધાર ૭ અને કરજણ તાલુકામાં પોણા ૬ ઇંચ વરસાદ ખાબકતા બંને તાલુકા જળમગ્ન થઇ ગયા છે. આ બંને તાલુકાઓમાં ચારે કોર પાણી ભરાઇ જતાં અનેક ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. તિર્થસ્થાન કંડારી ગામ અને તેની આસપાસમાં રંગાઇ કોતરના પાણી ફરી વળ્યા છે. આ બંને તાલુકાઓમાં પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા એનડીઆરએફની ૭ ટીમો અને ફાયર બ્રિગેડની ટીમોની મદદ લેવામાં આવી છે.
એનડીઆરએફ ટીમોએ ૨ સગર્ભા મહિલાઓ અને ૨ બિમાર લોકો સહિત ૫૫૦ ઉપરાંત લોકોનું સ્થળાંતર કર્યું હતું. કરજણ તાલુકામાં અતિવૃષ્ઠી જેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી બાજુ દેવ નદી ઉપરના હાલોલ ખાતે આવેલા દેવ ડેમમાંથી ૭૪૯૯.૮૪૪ ક્યૂસેક પાણી છોડાતા દેવ નદી અને ઢાઢર નદીના કિનારાના ૨૬ ગામોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષમાંથી મળેલી માહતિ પ્રમાણે વડોદરા જિલ્લામાં મધ્યમથી ભારે ઝાંપટા સાથે સમયાંતરે વરસાદ પડી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન થયેલા ભારે વરસાદને પગલે ગામ લોકોની હાલત કફોડી બની ગઇ છે. વડોદરાના કંડારી ગામે ૩૫ લોકો પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં બે સગર્ભા ૨૩ મહિલાઓ ૨૯ બાળકો, બે દર્દીઓ સહિત ૧૧ પુરૂષોને એન.ડી.આર. એફની ટીમો દ્વારા બોટ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેજ રીતે કરજણ તાલુકાના અનેક ગામોમાં ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની ટીમો તેમજ સ્થાનિક લોકો દ્વારા સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. બચાવ ટીમો દ્વારા પશુઓને પણ બચાવી રહ્યા છે. હાલોલ તાલુકાના દેવ ડેમની ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદ અને જળ આવકને પગલે પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ડેમના ગેટ નં.૩/૪/૫/૬ને ૦.૬ મીટર જેટલા ખોલીને ૭૪૯૯.૮૪૪ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે., જેના પગલે દેવ નદીના જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે. દેવ નદી વડોદરા નજીક ઢાઢર નદીને મળતી હોવાથી ઢાઢર નદીના કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અતુલ ગોર દ્વારા ડભોઇ, કરજણ, વાઘોડિયા અને વડોદરા ગ્રામ્યના અધિકારીઓને સાવચેતી રાખવા માટે તાકીદ કરી છે.