ઈઝિપ્તના મિસ્ત્રની ચર્ચમાં ભીષણ આગ લાગતા ૪૧ના મોત
ઇઝિપ્તના મિસ્ત્રની એક ચર્ચમાં ભીષણ આગ લાગ્યા બાદ ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં ૪૧ લોકોના મોત થયા છે. મિસ્ત્રના કોપ્ટિક ચર્ચનું કહેવું છે કે કાહિરાના એક ચર્ચમાં આગ લાગવાથી ઓછામાં ઓછા ૪૧ લોકોના મોત થયા અને ૧૪ લોકોને ઈજા પહોંચી છે. ચર્ચે ઈજાગ્રસ્તોની સંખ્યા માટે સ્વાસ્થ્ય અધિકારીઓનો હવાલો આપતા કહ્યું કે આગ ઇમ્બાબાના અબૂ સેફીન ચર્ચમાં લાગી છે. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. પોલીસે કહ્યું કે પ્રાથમિક તપાસમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે આગ રવિવારે સવારે લાગી જ્યારે સભા ચાલી રહી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ૧૫ ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તો એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસીએ કોપ્ટિક ક્રિશ્ચિયન પોપ તવાડ્રોસ ૨ની સાથે ફોન પર વાત કરી અને પોતાની સંવેદના વ્યક્ત કરી. અલ-સિસીએ ફેસબુક પર લખ્યુ- હું આ દુખદ દુર્ઘટના પર નજર રાખી રહ્યો છું. હું સંબંધિત રાજ્ય એજન્સીઓ અને સંસ્થાઓને તમામ જરૂરી ઉપાય કરવા અને દુર્ઘટનામાં ઈજા થયેલા લોકોને મદદ માટે નિર્દેશ આપ્યો છે. કોપ્ટિક ઈસાઈ મધ્ય પૂર્વમાં સૌથી મોટો ઈસાઈ સમુદાય છે, જે મિસ્ત્રના ૧૦૩ મિલિયન લોકોમાંથી ઓછામાં ઓછા ૧૦ મિલિયન છે. કોપ્ટિક ઈસાઈઓએ અહીં હુમલાનો સામનો કરવો પડ્યો છે અને લાંબા સમયથી તે બહુસંખ્યક મુસ્લિમ ઉત્તર આફ્રિકી દેશમાં ભેદભાવની ફરિયાદ કરતા આવ્યા છે. મિસ્ત્ર હાલના વર્ષોમાં ઘણી ભીષણ આગની દુર્ઘટનાનો સામનો કરી રહ્યું છે. માર્ચ ૨૦૨૧મા કાહિરાના પૂર્વી ઉપનગરમાં એક કપડાના કારખાનામાં આગને કારણે ૨૦ લોકોના મોત થયા હતા. તો ૨૦૨૦મા બે હોસ્પિટલમાં આગ લાગવાથી ૧૪ કોરોના દર્દીના મોત થયા હતા.