બાંગ્લાદેશમાં ફેરીમાં આગથી ૪૦ના મોત
બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી ૨૫૦ કિલોમીટર દૂર ઝાલાકાઠી ગામ પાસે શુક્રવારે સવારે સ્થાનિક સમય અનુસાર ૩ વાગે આ દુર્ઘટના ઘટી હતી. સ્થાનિક પોલીસ વડા મોઇનુલ ઇસ્લામે જણાવ્યું હતું કે અધવચ્ચે નદીમાં ત્રણ માળની ફેરી અભિજાનમાં આગ લાગી હતી. અત્યાર સુધીમાં ૪૦ મૃતદેહોને બહાર કાઢ્યા છે, અને મૃતકોની સંખ્યા વધી શકે છે. તેમણે કહ્યું કે ઘણા લોકોના મોત આગને કારણે થયા છે અને કેટલાક લોકોએ નદીમાં કૂદીને ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે. એવી આશંકા છે કે આગ એન્જિન રૂમમાંથી શરૂ થઈ હતી અને પછી સમગ્ર ફેરીમાં ફેલાઈ ગઈ હતી. આગને કારણે ઘાયલ થયેલા ૨૦૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. દુર્ઘટનામાં સુરક્ષિત રહેલા એક મુસાફરે જણાવ્યું કે એન્જિન રૂમમાં સવારે ૩ વાગ્યે આગ ફાટી નીકળી હતી અને તે ઝડપથી ફેલાઈ ગઈ હતી.
ફેરીમાં બાળકો અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. કેટલાય લોકો પાણીમાં કૂદી પડ્યા અને કિનારે પહોંચવામાં સફળ રહ્યા. જ્યારે મને આગની ગંધ આવી ત્યારે હું મારી વીઆઈપી કેબિનમાંથી બહાર આવ્યો અને આગ જોઈને મારી પત્ની અને સાળા સાથે ઠંડા પાણીમાં કૂદી પડ્યો. અમે તરીને કિનારે પહોંચ્યા.બાંગ્લાદેશના ઝાલાકાઠી જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક ફેરીમાં આગ લાગી હતી. જેના કારણે ફેરી પર સવાર ૪૦ લોકોના મોત થયા છે અને લગભગ ૨૦૦ લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. ઝાલાકાઠી જિલ્લાના અધિક ડેપ્યુટી કમિશનર મોહમ્મદ નજમુલ આલમે જણાવ્યું હતું કે ફેરીમાં લગભગ ૧,૦૦૦ લોકો સવાર હતા અને ફેરી સુગંધા નદી પાર કરીને ઢાકાથી બરગુના જિલ્લા તરફ જઈ રહી હતી.