મેક્સિકોમાં માઇગ્રેન્ટ સેન્ટરમાં ભીષણ આગથી દોઢધામ, ૩૯ના મોત, ૧૦૦ ઇજાગ્રસ્ત
ઉત્તર મેક્સિકોમાં અમેરિકાની સરહદ પાસે એક પ્રવાસી સુવિધા કેન્દ્રમાં આગ લાગવાથી ૩૯ લોકોના મોત નીપજ્યા છે અને ૧૦૦થી વઘુ લોકો ઘાયલ થયા છે. આવ્રજન સંસ્થાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે. કારણ કે, આ મામલે જાહેરમાં બોલવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે એક સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે, ઉત્તરી મેક્સિકોમાં અમેરિકાની સરહજ પાસે એક કેન્દ્રમાં આગ લાગવાથી ૩૦થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાસ્થળની તસવીરોમાં સિઉદાદ જુઆરેજ સ્થિત એક કેન્દ્ર બહાર મૃતદેહ રાખેલા જોઈ શકાય છે. આ સાથે જ તસવીરોમાં કેન્દ્રની આસપાસ એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની ટીમ અને વાન જોવા મળી રહી છે.
આ કેન્દ્ર ટેક્સાસના એલ પાસે નજીક આવેલું છે. સોમવારે મોડી રાતે લાગેલી આગમાં ૩૯ લોકોના મોત નીપજ્યા છે. એક અહેવાલ પ્રમાણે, ઇજાગ્રસ્તોને ચાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટનાની પુષ્ટિ મામલે મેક્સિકોના રાષ્ટ્રીય ઇમિગ્રેશન સંસ્થા અને ચિહુઆહુઆ રાજ્ય ફરિયાદી કાર્યાલયે મંગળવારે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. યુ.એસ.માં પ્રવેશતા ઇમિગ્રન્ટ્સ માટે સિઉદાદ જુઆરેઝ મુખ્ય પરિવહન બિંદુ છે. જે લોકો પેલે પાર જવાની રાહ જોઈ રહ્યા છે અથવા જે લોકોએ અમેરિકામાં શરણ માટે અરજી કરી જવાબની રાહ જોઈ રહ્યા છે, તેવાં લોકોથી આશ્રયસ્થાન ભરાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્સિકોના એટર્ની જનરલ ઓફિસે તપાસ શરૂ કરી છે અને તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.