દિલ્હીના મયુર વિહારમાં ૨૦ કાગડાનાં મોત, બર્ડ ફ્લુ એંગલની તપાસ
દિલ્હી સરકારે પક્ષીઓની નોંધપાત્ર હાજરી હોય તેવા સ્થળોએ કડત તપાસ માટે ટીમ તૈનાત કરી
દિલ્હીના મયુર વિહાર ફેઝ થ્રી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસમાં ૨૦ કાગડાંના મોત થયા હોવાનું જણાતા બર્ડ ફ્લુની દિશામાં તપાસ હાથ ધરાઈ છે. અધિકારીઓએ જણઆવ્યા મુજબ શુક્રવારે પશુ પાલન વિભાગની ટીમે મૃત કાગડાના સેમ્પલ લીધા છે અને તેને પંજાબના જલંધર સ્થિત લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલી અપાયા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દેશમાં મધ્ય પ્રદેશ, કેરળ, રાજસ્થાન તેમજ હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લુના કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાં પક્ષીઓના આકસ્મિક મોતના બનાવો પણ બની રહ્યા છે જેને પગલે તંત્ર દોડતું થયું છે.
દિલ્હી પશુ પાલન વિભાના ડો. રાકેશ સિંહે જણાવ્યું કે, દિલ્હીના મયુર વિહાર ખાતે થોડા દિવસમાં ૨૦ કાગડાનાં મોત થયા છે. અમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરનું પાલન કરી રહ્યા છીએ. જાે કે કાગડાના મોત પાછળ બર્ડ ફ્લુનું કારણ છે કે કેમ તેની તપાસ ચાલુ છે. દેશમાં બર્ડ ફ્લુના ૧૨ જેટલા એપીસેન્ટર હોવાનું કેન્દ્રે જણાવ્યું છે જેમાં હરિયાણામાં હાઈ એલર્ટ અપાયું છે. પંચકુલામાં એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લુના લક્ષણો મળી આવતા મોટાપાયે મરઘાની કતલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં હજી સુધી બર્ડ ફ્લુનો એકપણ કેસ નોંધાયો નથી. પાડોશી રાજ્યોમાંથી આવતા પોલ્ટ્રીના પુરવઠા સામે અધિકારીઓને પુરતી તકેદારી રાખવા આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીના સંભવિત હોટસ્પોટ પર રેપિડ રિસ્પોન્સ ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે.