અમદાવાદ : વિ-હેલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા દ્વારા યુવાનોમાં પ્લાઝમા અને રક્તદાન અંગેની અવેરનેસ ફેલાવતો વેબીનાર યોજવામાં આવ્યો
વર્તમાન મહામારીના સમય દરમિયાન કોવિડ દર્દીઓ માટે જીવનરક્ષક પ્લાઝમા ની ખૂબ જ અછત વર્તાઈ રહી છે ત્યારે પ્લાઝમા શુ છે? કેવી રીતે કોવિડ દર્દીઓ ને એન્ટીબોડી તરીકે રક્ષણ આપે છે? કોણ પ્લાઝ્મા ડોનેટ કરી શકે અને કોણ ન કરી શકે? પ્લાઝ્મા કેવી રીતે બ્લડમાંથી અલગ કરી બાકીનું બ્લડ ડોનર ને પાછું આપવામાં આવે છે અને પ્લાઝમા એક ડોનર કેટલા સમયમાં , કેટલી વાર ડોનેટ કરી શકે તેની મુદ્દાસર અને ઝીણવટભરી માહિતી સૌને મળે અને યોગ્યતા ધરાવતા વ્યક્તિઓ પ્લાઝ્મા ડોનેટ કરવા સ્વૈચ્છિક રીતે આગળ આવે તેવી અવેરનેસ ફેલાવવાના હેતુ થી અમદાવાદ શહેરની એનજીઓ વિ હેલ્પ ફાઉન્ડેશન ના સભ્યો દ્વારા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું.
આ સાથે સંલગ્ન સંસ્થા થપ્પો ગ્રૂપ અને શરણમ ગ્રુપ ના સભ્યોએ પણ વેબીનારમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેબીનાર ના સ્પીકર ડો. દિલીપભાઇ શાહ (ગ્રીન ક્રોસ બ્લડ બેન્ક ) અને ડો. રિપલબેન શાહ પ્રથમા બ્લડ સેન્ટર અમદાવાદના મેડિકલ ડિરેક્ટરે પ્લાઝમા અંગે ની ઊંડી સમજ આપી હતી. વેબીનારમાં ડો, રિપલબેન શાહે થેલેસિમિયાના દર્દી માટે બ્લડ બેન્કમાં મર્યાદિત સ્ટોક અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી અને યુવાનોને રસીકરણ અગાઉ રક્તદાન કરવા આગળ આવવાની વાત કહી હતી. સાથે ડો. કિશોર મહેશ્વરી જે મેડિકલ પ્રથમા બ્લડ સેન્ટર અમદાવાદના મેડિકલ મેનેજર પણ ઉપસ્થિત રહી પ્લાઝમા અંગેની સમજ આપી હતી.