દહેગામના નાંદોલમાં પાણીની બબાલ પોલીસ મથકે પહોંચી, ખાડો પૂરવા બાબતે પાંચ લોકોએ વૃદ્ધને લાકડીઓ ફટકારી
દહેગામ તાલુકાના નાંદોલમાં ઘરે પાણી આવતું ના હોઇ તું કેમ ખાડો પૂરે છે એટલું કહેનાર વૃદ્ધને જાદવ પરિવારના પાંચ લોકોએ લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલો દહેગામ પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે. દહેગામના નાંદોલ ગામે રહેતાં ૫૨ વર્ષીય મૂકેશભાઇ ભુદરભાઇ સોનારા સાંજના ઘર આગળ ઉભા હતા.
ત્યારે અત્રેના વોર્ડના સભ્ય ભાવનાબેન જાદવના પતિ ભરતભાઇ મગનભાઇ જાદવ વૃદ્ધના ઘર પાસે પાણીની પાઇપ લાઇન માટે ખોદેલ ખાડો પુરતા હતા. આથી મૂકેશભાઈએ કહેલ કે મારા ઘરે પાણી આવતુ ના હોઇ તુ કેમ ખાડો પુરે છે. જેથી ભરતભાઈ તેના ઘરે જઈ લાકડી લઈ આવી મૂકેશભાઈને માર મારી રવાના થઈ ગયા હતા. બાદમાં વોર્ડના સભ્ય ભાવનાબેન અને તેમની બહેન રાજેશ્વરી તેમજ બે દીકરીઓ કિષ્ણા – માનસી લાકડીઓ લઈ બિભત્સ ગાળો બોલતાં બોલતાં મૂકેશભાઈ જોડે ગયા હતા. અને ઝપાઝપી કરી લાકડીઓ લઈને મૂકેશભાઈને ફરી વળ્યા હતા. જેનાં કારણે મૂકેશભાઈએ બુમાબુમ કરી મુકતા ફળીયામાં રહેતા સુશીલાબેન પુનચંદ સોનારા તથા સાગરભાઇ અશોકભાઇ સોલંકી દોડી આવી તેમને વધુ માર માંથી છોડાવ્યા હતા. ત્યારે જતાં જતાં ઉક્ત મહિલાઓએ આજે તો બચી ગયો છે રસ્તામાં એકલ દોકલ મળીશ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જ્યારે બનાવની જાણ થતાં દહેગામ પોલીસ પણ નાંદોલ ગામમાં પહોંચી ગઈ હતી. બાદમાં મૂકેશભાઈએ સારવાર મેળવી ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.