8 કિલોની ગાંઠ સાથે કણસી રહેલા શ્વાનની મદદે આવ્યા એનીમલ લાઇફ કેરના વિજય ડાભી
ક્યાંકને ક્યાંક તો તમે સાંભળ્યું જ હશે કે ઘણી વખત બોલનાર લોકોને પણ કોઇ સમજી શકતું નથી તો અબોલ પ્રાણીઓને કોણ સમજે? જ્યારે કેટલીક વખત મનુષ્યને લોકો નથી સમજી શકતા અને પોતાનું દુ:ખ કોઇની સામે નથી વર્ણવી શકતા તો આ અબોલ પ્રાણી કોની સામે પોતાનું દુ:ખ વ્યક્ત કરે. આવી જ એક ઘટના સામે આવી છે અબોલ શ્વાનની… જે છેલ્લા ઘણા સમયથી તેના પગમાં થયેલ ગાંઠથી પીડાઇ રહ્યું હતું, પણ કોણ તેની દવા કરે.. કોણ તેને એક માતાની કે પિતાની જેમ સાચવે… કોણ તેને વ્હાલ કરે?
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક રસ્તે રખડતા શ્વાનને ડાબા પગમાં ગાંઠ થઇ હતી. આ મોટી ગાંઠના કારણે શ્વાન કણસી રહ્યું હતુ. આ ગાંઠ આશરે 7-8 કિલોની આસપાસની હતી. જોકે, સમયસર આ અબોલ પ્રાણીઓની સેવામાં હંમેશા હાજર રહેનાર જીવદયા પ્રેમી એવા એનીમલ લાઇફ કેરના વિજય ડાભીએ આ શ્વાનનું દર્દ જોઇને તેને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું હતું.
આ અંગે માહિતી આપતા એનીમલ લાઇફ કેરના વિજય ડાભીએ જણાવ્યું હતું કે ઘણા એવા ઓછા કિસ્સામાં આ રીતે શ્વાનમાં ગાંઠ જોવા મળે છે. જોકે હાલ હોસ્પિટલમાં આ ગાંઠથી કણસી રહેલા શ્વાનની સારવાર કરવામાં આવી રહી છે.