સરદાર સરોવર ડેમની જળ સપાટી ઘટીને ૧૧૬.૧૬ મીટર થઇ
કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા ૨૦ દિવસમાં સવા સાત મીટર ઘટી ગઇ છે. સતત વીજ મથકો ચલાવવામાં આવતા ૩૫ હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે. જેથી નર્મદા ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે, દરરોજ ૧ કરોડ ૪૦ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.
પહેલી જૂનના દિવસે નર્મદા ડેમની જળ સપાટી ૧૨૩.૩૮ મીટર હતી. જેના કારણે નર્મદા ડેમના તમામ વીજ મથકોને સતત ૨૪ કલાક ચલાવવામાં આવી રહ્યા છે. રોજની કરોડો રૂપિયાની વીજળી પેદા થઇ રહી છે. રોજનું ૩૫ હજાર ક્યુસેક કરતાં પણ પાણી નર્મદા ડેમના વીજ મથકમાંથી ડિસ્ચાર્જ થતાં નર્મદા ડેમની જળ સપાટી હવે ધીરે ધીરે ઘટી રહી છે અને હાલ ડેમની જળ સપાટી ૧૧૬.૧૬ મીટર થઈ ગઈ છે અને લાઇવ સ્ટોરેજ ૬૭૦ મિલિયન ક્યુબિક મીટર છે.
અત્યારે રીવર બેડ પાવર હાઉસના ૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા યુનિટ સતત ચાલુ છે, જેના કારણે રોજની એવરેજ ૧૪ મિલિયન યુનિટ વીજળી પેદા થઈ રહી છે. ચોમાસામાં નવા પાણીનું આગમન થાય તે પહેલાં ડેમની જળ સપાટી ઘટાડવામાં આવી રહી છે.