ઉકાઈ ડેમની સપાટી ૩૨૫ ફૂટ નજીક પહોંચી
સુરત શહેર અને જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા યથાવત રહ્યાં છે સુરત શહેરના રાંદેર ઝોનમાં ૪ મિમિ તથા ઉઘનામાં ૩ અને અઠવા-વરાછા એ, કતારગામ સહિતના ઝોનમાં ૨-૨ મિમિ વરસાદ નોધાયો છે. જ્યારે જિલ્લાના પલાસાણામાં ૯ મિમિ વરસાદ અને બારડોલી તથા મહુવામાં ૫ મિમિ અને ચોર્યાસીમાં ૪ મિમિ વરસાદ પડ્યો છે. જો કે વરસાદી માહોલને જોતા ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઉકાઈ ડેમમાં હાલ ૪૮૪૭૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમની સપાટી વધીને સવારના ૧૦ વાગ્યે ૩૨૪.૭૦ નોધાઈ છે. જ્યારે આજનું રૂલ લેવલ ૩૩૩ ફૂટ છે. હાલ સુરતના કોઝવેની સપાટી વધીને ૭.૨૫ ફૂટ જેટલી નોધાઈ છે.હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા હળવા અને ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. નદીઓમાં પણ નવા નીર આવ્યાં છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી વધીને ૩૨૫ ફૂટ નજીક ૩૨૪.૭૦ ફૂટ નોધાઈ છે.