ઉપલેટાના ખેડુતોની વ્યથા ફૂલોના ખેતરમાં અનરાધાર વરસાદથી નુકશાન
ઉપલેટાના સીમ વિસ્તારમાં આવતા મોજ નદીના કિનારે આવેલ આ ખેતરોની હાલત જોતા ખેતરો ઉપરથી કોઈ મોટી આફત પસાર થઈ હોય તેવું લાગે છે. આ ખેતરો ફૂલના છોડના ખેતર હતા. અહીં વરસેલા અનરાધાર વરસાદને લઈને અને મોજ ડેમમાંથી છોડવામાં આવેલ પુષ્કળ પાણીએ અહીં તબાહી મચાવી હતી. મોજ ડેમ અને નદીના પાણી કાંઠા વિસ્તારના ખેતરોમાં ઘુસી ગયા હતા અને અહીં જે ખેતરોમાં ફૂલના છોડ હતા એ બધા પૂરના પાણીમાં વહી ગયા હતા. અહીં આ ખેતરોમાં ગુલાબની ખેતી કરવામાં આવતી હતી અને ગુલાબના છોડ અહીં સારી રીતે ઉછેરેલ હતા અને મોટી માત્રામાં ગુલાબની ખેતીમાં ઉત્પાદન પણ મોટી માત્રામાં થતું હતું. પરંતુ મોજ નદીમાં આવેલ પૂરે ગુલાબના તમામ છોડને જમીનદોસ્ત કરી દીધા અને ગુલાબનો સંપૂર્ણ પાક નિષ્ફળ જવા પામ્યો હતો.
ત્યારે આ નુકસાનીની સામે ખેડૂતોની માંગ છે કે અહીં ગુલાબના પાકના નુકસાનનું સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે. ઉપલેટાના ખેડૂત વૈકુંઠભાઈ કપૂપરા અને જાફરભાઈ કુરેશીએ ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુલાબની ખેતીમાં નુકસાન જતા માર્કેટમાં ફૂલની અછત સર્જાઈ છે, જેને લઈને ગુલાબના ફૂલ અને અન્ય ફૂલોનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ નવરાત્રિના તહેવાર હોય, ફૂલોની માંગ વધુ હોય જેને લઈને લોકો પણ પરેશાન થઈ રહ્યા છે.
અમારી દિવાળીની આવક છીનવાઈ ગઈ છે. ચાલુ વર્ષે થયેલ અનરાધાર વરસાદે અનેક ખેડુતો અને લોકોને મોટું નુકસાન કર્યું છે. જેમાં ખેતી પાકોમાં નુકસાન થવા સાથે સાથે ફૂલોની ખેતીને પણ નુકસાન થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુલાબની ખેતી કરતા ખેડૂતોના ગુલાબનો પાક નિષ્ફળ ગયો છે અને મોટું નુકસાન થયું છે.