મુખ્યમંત્રી રૂપાણીએ ‘ગુજરાત સોલર પાવર પોલિસી-૨૦૨૧’ની કરી જાહેરાત
મેડ ઈન ગુજરાત વિશ્વમાં છવાઈ જશેઃ રુપાણી
હવે ઉદ્યોગોને ૪.૫૦ રૂપિયા યુનિટ વીજળી મળી શકશે
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ‘સોલાર પાવર પોલિસી ૨૦૨૧‘ની જાહેરાત કરી છે. આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે આ પોલિસીને કારણે ગુજરાતના નાના અને મોટા ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. આ પોલિસીને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. નવી પોલિસીથી પાવર કોસ્ટ લગભગ ૪.૫ રૂપિયાની આસપાસ આવશે. હાલ ઉદ્યોગોને આઠ રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી આપવામાં આવી રહી છે. આ પોલીસે આવતાની સાથે ‘મેડ ઇન ગુજરાત‘ વિશ્વભરમાં છવાશે.
મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે ગુજરાતમાં રજૂ કરવામાં આવેલી આ પોલિસી ભારતની પ્રથમ સોલાર પોલિસી છે. આ પોલિસીના મુખ્ય ત્રણ ફાયદા થશે. આ પોલિસીથી વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે. દુનિયામાં ગુજરાતની પ્રૉડક્ટ્સને સ્થાન મળશે અને નાના-મોટા ઉદ્યોગો ધમધમતા થવાથી રાજ્યમાં મોટાપાયે રોજગારી ઊભી થશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલિસી વર્ષ ૨૦૧૫માં કાયાર્ન્વિત કરી હતી. આ નીતિને મળેલા અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી “ગુજરાત સોલર પાવર પોલિસી ૨૦૨૧” ને અમલમાં મૂકી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, ગ્રીન ક્લીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
નવી સોલાર પોલિસીની વિગતોઃ
૧) રાજ્યના લઘુ-એમએસએમઇ, મધ્યમ ઊદ્યોગોની પ્રોડક્શન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે. એટલું જ નહિ, આવા ઊદ્યોગો સહિત રાજ્યના મોટા ઊદ્યોગો પાણ વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટીશનમાં ઊભા રહી શકશે.
૨) આ નવી સોલર પાવર પોલીસી આગામી પાંચ વર્ષ એટલે કે ૩૧-૧૨-૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. જેમાં સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સ માટેના લાભો ૨૫ વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે. આ પોલીસી અંતર્ગત રહેણાંક હેતુના ગ્રાહકો માટે, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો દ્વારા કેપ્ટિવ ઉપયોગ માટેના, થર્ડ પાર્ટી દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકને વેચાણ માટેના, વીજ વિતરણ કંપનીઓને (ડિસ્કોમ) વીજ વેચાણ કરવા માટેના પ્રોજેક્ટ્સ સ્થાપી શકાશે.
૩) આ પોલિસી હેઠળ, કોઈપણ વ્યક્તિ / વિકાસકર્તા / ગ્રાહક / ઇન્ડસ્ટ્રી જરુરીયાત મુજબ, ક્ષમતાની મર્યાદા વિના, સોલર પ્રોજેક્ટ્સ સ્થાપિત કરી શકે છે, જ્યારે હાલના મંજૂર થયેલ લોડ / કરાર માંગની ૫૦% ની મર્યાદા દૂર કરવામાં આવી છે.
૪) ગ્રાહકો તેમની છત / જગ્યા પર સોલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકે છે અથવા તેમની છત / જગ્યાનાં પરિસરને વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે તૃતીય પક્ષને લીઝ પર પણ આપી શકશે.
૫) આ ઉપરાંત ગ્રાહકોનું કોઈ એક જૂથ સામૂહિક માલિકીના પ્રોજેક્ટ તરીકે સ્વવપરાશ માટે સૉલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકે છે અને તેઓની માલિકીના હિસ્સા પ્રમાણે ઉત્પન્ન થતી સૌર ઊર્જાનો વપરાશ કરી શકે છે.
૬) પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા વીજ વિતરણ કંપનીને ચૂકવવાની થતી સિક્યોરિટી ડિપોઝિટની રકમને પ્રતિ મેગાવોટ રૂ. ૨૫ લાખથી ઘટાડીને હવે પ્રતિ મેગાવોટ રૂ. રૂ. ૫ લાખ કરવામાં આવી છે.
૭) નાના પાયાના સોલાર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે, વીજ વિતરણ કંપનીઓ હવે આ નાના પાયાના સોલર પ્રોજેક્ટ્સ (૪ મેગાવોટ સુધી) માંથી સ્પર્ધાત્મક બીડ દ્વારા નક્કી થયેલ ટેરિફ ઉપરાંત ૨૦ પૈસા પ્રતિ યુનિટ વધુ ચૂકવી વીજ ખરીદી કરશે. જ્યારે ૪ મેગાવોટથી વધારાની કેપેસીટીનાં પ્રોજેક્ટ્સમાંથી વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્પર્ધાત્મક બીડ હેઠળ સૌર ઉર્જા ખરીદી કરશે. ગ્રાહકો પાસે જે ઊર્જા ઉત્પન્ન થશે તે એમના વપરાશ બાદની વધારાની ઊર્જાની ખરીદી રાજ્ય સરકાર કરશે. રહેણાંક ગ્રાહકો (સૂર્ય ગુજરાત યોજના) અને એમએસએમઇ (મેન્યુફેક્ચરીંગ) દ્વારા કેપ્ટિવ ઉપયોગ કરતાં ગ્રાહકો માટે તેમના વપરાશ બાદ થયેલ વધારાની ઉર્જા ડિસ્કોમ દ્વારા પ્રતિ યુનિટ દીઠ રૂ. ૨.૨૫ પ્રમાણેના દરથી પ્રથમ પાંચ વર્ષ માટે ચૂકવશે.
૮) પ્રોજેક્ટ કાયાર્ન્વિત થયાના અગાઉના ૬ મહિનામાં જીયુવીએનએલ દ્વારા નોન-પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ્સ માટેની સ્પર્ધાત્મક બિડિંગ (ટેન્ડર) પ્રક્રિયા દ્વારા શોધાયેલ અને કરાર કરાયેલા સરેરાશ ટેરિફના ૭૫% ના દર પ્રમાણે વધારાની ઊર્જાની ખરીદી કરાશે જે બાકીના સમયગાળા માટે નિશ્ચિત રહેશે.
૯) અન્ય તમામ ગ્રાહકો માટે, પ્રોજકટ કાયાર્ન્વિત થયાના અગાઉના ૬ મહિનામાં જીયુવીએનએલ દ્વારા નોન-પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ્સ માટેની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા નક્કી થયેલ અને કરાર કરાયેલા નવીનતમ ટેરિફના ૭૫% ના દરે કરશે જે ૨૫ વર્ષના પ્રોજેક્ટ જીવનકાળ માટે નિશ્ચિત રહેશે.
૧૦) એચટી તથા એલટી (ડિમાન્ડ આધારિત) ગ્રાહકો માટે બેન્કિંગ ચાર્જ સોલર વીજ વપરાશ મુજબ રૂ.૧.૫૦ પ્રતિ યુનિટ રહેશે. જ્યારે તે સિવાયના ગ્રાહકો તેમજ એમએસએમઇ એકમોના કિસ્સામાં બેન્કિંગ ચાર્જ પ્રતિ યુનિટ રૂ. ૧.૧૦ રહેશે.
૧૧) રહેણાંક ગ્રાહકો તથા સરકારી બિલ્ડિંગ માટે બેન્કિંગ ચાર્જ લાગુ પડશે નહીં.
૧૨) સ્વવપરાશ (કેપ્ટિવ)ના કિસ્સામાં કોઈ ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ લાગુ પડશે નહીં.
૧૩) થર્ડ પાર્ટી વેચાણના કિસ્સામાં અન્ય ઓપન એક્સેસ ગ્રાહકોને લાગુ પડતો ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ લાગુ પડશે. ટ્રાન્સમિશન અને વ્હીલિંગ ચાર્જ / લોસ અન્ય ઓપન એક્સેસ ગ્રાહકોને લાગુ પડતા દર મુજબ રહેશે.
૧૪) સૂર્ય-ગુજરાત યોજના હેઠળ સ્થપાતા સોલાર રૂફટોપ પ્રોજેક્ટને સરકાર દ્વારા સબસીડી ચાલુ રહેશે.
૧૫) આ નીતિ અંતર્ગત સોલાર પ્રોજેકટ સ્થાપતા ગ્રાહકોને જે અંદાજિત ફાયદો થશે એમાં રહેણાંક ગ્રાહકોને રુપિયા ૧.૭૭- ૩.૭૮ પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (કેપ્ટિવ) રુપિયા ૨.૯૨ – ૪.૩૧ પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (થર્ડ પાર્ટી સોલાર પ્રોજેકટમાંથી ખરીદી) રુપિયા ૦.૯૧- ૨.૩૦ પ્રતિ યુનિટ જેટલો ફાયદો થશે.