અમેરિકાથી આયાત કરાયેલો સ્મોગ ટાવર દિલ્હીમાં હવા શુદ્ધ કરશે
દેશનો સૌ પ્રથમ સ્મોગ ટાવર છે. આ એક તદ્દન નવી ટેકનોલોજી છે જેની અમે અમેરિકાથી આયાત કરી છે. આ ટાવર પરના ભાગેથી પ્રદુષિત હવાને શોષી લેશે અને નીચેના ભાગેથી શુદ્ધ હવાને વાતાવરણમાં છોડશે.આ ટાવર પ્રતિ સેકંડે ૧૦૦૦ ક્યુબિક મિટર હવાને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે એમ કેજરીવાલે ટાવરના ઉદઘાટન પ્રસંગે હાજર રહેલાં પત્રકારોને આજે અહીં કહ્યું હતું.
દેશમાં સૌથી વધુ પ્રદુષિત ગણાતા પાટનગર દિલ્હીના કોનાટ પ્લેસ વિસ્તારમાં દેશના સૌ પ્રથમ સ્મોગ ટાવરને મૂકવામાં આવ્યો હતો અને દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેનું ઉદઘાટન કર્યું હતું.આ પ્રસંગે કેજરીવાલે કહ્યું હતું કે આ ટાવર એક સીમાચિહ્નરૂપ સાબિત થશે અને જો તેના સારા પરિણામ મળશે તો શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારના અન્ય ટાવર પમ ઉભા કરવામાં આવશે.
અમેરિકાની યુનિવર્સિટિ ઓફ મિનેસોટાના નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલા આ સ્મોગ ટાવરમાં ૪૦ પંખા અને ૫૦૦૦ ફિલ્ટર મૂકવામાં આવ્યા છે. આ નિષ્ણાતોએ ચીનના શિયાન પ્રાંતમાં ઉભા કરાયેલા ૧૦૦ મિટર ઉંચા ટાવરને પણ વિકસાવ્યો હતો.આ ટાવરના સૌથી ઉપરના ભાગે છત્રી જેવું બાંધાકમ ઉભું કરાયું છે જ્યાંથી તે વાતાવરણની પ્રદુષિત હવાને શોષી લેશે અને નીચેથી ફિલ્ટરમાંથી શુદ્ધ થઇને પસાર થયેલી હવાને વાતાવરણમાં છોડશે જેના કારણે હવાની ગુમવત્તામાં સુધારો થશે અને પ્રદુષણનું પ્રમાણ પણ ઘટશે એમ દિલ્હી સરકાર દ્વારા બહાર પડાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. ઉત્તર ચીનના શિયાન પ્રાંતમાં ઉભા કરાયેલા આ ટાવરના ખુબ સારા પરિણામ મળ્યા છે અને તેના કારણે હવાની ગુમવત્તામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. દિલ્હીના સૌથી મોટા કોમર્સિયલ વિસ્તાર ગણાતા કોનાટ પ્લેસમાં પ્રયોગના ધોરણે મૂકવામાં આવેલા સ્મોગ ટાવરની ઉંચાઇ ૨૪ મિટર છે અને તેમાં ૪૦ પંખા મૂકવામાં આવ્યા છે.