સાબરકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને એમ. પી જોગવાઈ અંગે બેઠક યોજાઇ
જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ, રસ્તાઓ તેમજ સિંચાઇ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન અને એમ. પી જોગવાઈ અંગે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ, રસ્તાઓ તેમજ સિંચાઇ સહિતના મુદ્દાઓ, જિલ્લામાં પ્રગતિશીલ કાર્ય, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ, તેમજ સરકારી યોજનાના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોચાડવા સંદર્ભે અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો મંત્રીશ્રીએ કર્યા હતા.
જિલ્લા કલેકટર નૈમેષ દવે તથા જીલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા દ્વારા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની વિશેષ માહિતી આપવામાં આવી હતી.
જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખુબ ઝડપથી થાય અને ગુણવત્તા યુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ ,હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી,તાલુકા પંચાયત પ્રમુખ , નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, જિલ્લા આયોજન અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.