ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ

ગુજરાતમાં ગત સપ્તાહમાં જૂનાગઢ અને નવસારી સહિત અનેક વિસ્તારોમાં વરસાદે પૂરની સ્થિતિનું નિર્માણ કર્યુ હતુ. આ સિવાય અન્ય શહેરોમાં પણ વરસાદથી તારાજી સર્જાઇ હતી. જો કે હજુ પણ વરસાદ વિરામ લેવાના મૂડમાં નથી. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે પણ વરસાદનું જોર યથાવત્‌ રહેશે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અને અન્ય વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યુ છે. તો પૂરની સ્થિતિમાં સાવચેતી રાખવા માટે ગુજરાત સરકાર અને હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.હવામાન વિભાગે વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જે મુજબ રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. રેડ એલર્ટવાળા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો હજુ પણ જૂનાગઢમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યુ છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે. સાથે જ દ્વારકા અને પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં યલો એલર્ટ અપાયું છે. તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.